રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં ગોગુંડા-પિંડવાડા હાઇવે પર સેનાની ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં દારૂગોળો અને હથિયારો રાખવામાં આવ્યા છે. આગના કારણે ટ્રકો બ્લાસ્ટ થઈ રહી છે. અકસ્માતને પગલે હાઇવે પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ, વારંવારના ધડાકાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ અને સેનાના જવાનો સ્થિતિને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે.
મળતી માહિતી અનુસાર, સેનાની ટ્રકોનો કાફલો પિંડવાડાથી ઉદયપુર આવી રહ્યો હતો. ગોગુંડા-પિંડવાડા હાઇવે પર થમલા વેરી બકેરિયા પોલીસ સ્ટેશન સર્કલ પાસે કાફલામાંની એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. તે ટ્રકમાં લગભગ બે જવાન હાજર હતા. બંને સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડી જ વારમાં ટ્રકમાં લાગેલી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પછી તેમાં વિસ્ફોટ થવા લાગ્યા. બ્લાસ્ટને કારણે કોઈ ટ્રકની નજીક જઈ શકતું ન હતું. આગની જાણ થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે ટ્રકમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના બાદ બીએસએફે વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો છે. લગભગ 40 સેનાના જવાનો સ્થળ પર તૈનાત છે. આ ઉપરાંત પાંચ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે બંને રસ્તે 15-15 કિલોમીટર જેટલો જામ છે. ટ્રકમાં વારંવાર થતા વિસ્ફોટના કારણે આસપાસના લોકો ભયભીત છે. આગની જ્વાળાઓ દૂરથી પણ દેખાઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રકમાં લાગેલી આગ પર સવારે 9 વાગ્યા પહેલા જ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ટ્રકમાં આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. હાઈવે પર રોકાયેલ વાહનવ્યવહાર પણ પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.