જામનગર જિલ્લાની પાંચ અને દ્વારકા જિલ્લાની બે મળી હાલારની 7 બેઠકો સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની પ્રથમ તબકકાની કુલ 89 બેઠકો પર આજ સાંજથી જાહેર ચૂંટણી પ્રચાર શાંત થઇ જશે. સાંજે 6 વાગ્યા બાદ કોઇપણ પ્રકારની રેલી, રોડ શો, જાહેરસભા પ્રચારાત્મક વાહનોના ભૂંગળા વગાડી શકાશે નહીં. મતદાન સુધી ઉમેદવારો અને પક્ષો માત્ર ડોર ટુ ડોર અને વ્યકિતગત પ્રચાર કરી શકશે. 1 ડિસેમ્બરે આ 89 બેઠકો પર પ્રથત તબકકાનું મતદાન યોજાશે.
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. જેના પ્રથમ તબક્કામાં રાજ્યના 19 જિલ્લાની 89 બેઠક માટે પહેલી ડિસેમ્બરે મતદાન યોજાશે. જેના પ્રચાર પડઘમ 29મીને મંગળવારે સાંજે 6 વાગ્યાથી શાંત થઇ જશે. જેની હવે માંડ ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. આ ચૂંટણી મુક્ત અને ન્યાયી માહોલમાં થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા જડબેસલાક વ્યવસ્થા કરાઈ છે. બીજીબાજુ પ્રથમ તબક્કામાં જ લીડ હાંસલ કરવા ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો અને ઉમેદવાર છેલ્લી ઘડીની ભરપૂર કોશિશ કરી રહ્યાં છે. પ્રચાર શાંત થયા બાદ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારની સાથોસાથ મતદારોને મતદાન મથક સુધી લાવવા માટેના ખાનગી પ્રયાસો શરૂ કરશે. જે તે જાતિ-જ્ઞાતિના વડાઓને, નારાજ થયેલાઓના મનામણાં, અપક્ષોને પોતાની તરફેણમાં લાવીને થતાં સંભવિત નુકસાન રોકવાના પ્રયત્નો અને મતદાનના દિવસની જમાવટની તૈયારીઓને આખરી ઓપ અપાશે. આ વખતે દક્ષિણ ગુજરાતની 36, કચ્છની 6 અને સૌરાષ્ટ્રની 48 બેઠક મળીને કુલ 89 બેઠક માટે પ્રથમ તબક્કામાં ચૂંટણી થવાની છે. 2017ની ચૂંટણી વખતે રાજ્યમાં પાટીદાર, ઘઇઈ અને અનુસૂચિત જાતિના વિવિધે મુદ્દે ઉગ્ર આંદોલનોને પરિણામે સૌરાષ્ટ્રમાં ભાજપને ભારે ફટકો પડ્યો હતો. જેનો સીધો લાભ કોંગ્રેસને થયો હતો. પ્રથમ તબક્કાની આ 89 બેઠકમાં ગત 2017માં ભાજપે, કુલ 47 અને કોંગ્રેસે 40 બેઠક જીતી હતી. 2 બેઠક ઉપર ઇઝઙ (ભારતીય ટ્રાયબલ પાર્ટી)ના ઉમદેવાર વિજેતા થયાં હતા. આમ, પ્રથમ તબક્કામાં જ ભાજપે, તેના હરીફ કોંગ્રેસ કરતાં 7 બેઠક વધુ મેળવી હતી પરંતુ આ વખતે ચિત્ર બદલાયેલું છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની સામે ‘આપ’એ તમામ 182 બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારીને તમામ રાજકીય પક્ષોની ઉંઘ ઉડાડી દીધી છે.
સામાન્ય રીતે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 49-50 ટકા વોટ મળે છે અને કોંગ્રેસને 38થી 42 ટકા વોટ હાંસલ થાય છે. અપક્ષો અને અન્ય પક્ષોને માંડ 6થી 10 ટકા વોટ મળે છે. આ સ્થિતિમાં ‘આપ’ની એન્ટ્રી અંગે દલીલ થઈ રહી છે કે, 1 થી 10,000 સુધીના વોટ-તફાવતથી હાર-જીતની બેઠક પર આપ નિર્ણાયક બનશે. એવી જ રીતે શહેરી બેઠકોમાં ભાજપને અને ગ્રામ્ય બેઠક ઉપર કોંગ્રેસને નુકસાન થવાની સંભાવના છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્રની કેટલીક બેઠક અને સુરતની 3-5 બેઠક ઉપર હાલમાં આપની ટક્કર છે, એટલે આ બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ ખેલાશે. જોકે, આ સિવાયની બેઠક ઉપર અપક્ષોની ઉપસ્થિતિની જેમ ‘આપ’ના ઉમેદવારની હાજરી વર્તાશે. આ હાજરી ભાજપ-કોંગ્રેસના વોટ કાપશે પણ તેમની હાર-જીતનો ફેંસલો નહીં કરી શકે.