જામનગર શહેરના સાંઢીયા પુલ પાસેના સમર્પણ પાર્કમાં રહેતાં સુથાર કારખાનેદાર યુવાનને ધંધામાં નુકસાની જતાં રેલવે ટે્રક પરથી પસાર થતી ટે્રન હેઠળ ઝંપલાવી આપઘાત કરતા મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આપઘાતના બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક આવેલા સાંઢીયા પુલ પાસેના સમર્પણ પાર્કમાં રહેતાં પ્રફુલ્લભાઈ બાબુભાઈ ગોરેચા (ઉ.વ.40) નામના ગુર્જર સુથાર વેપારી યુવાન દરેડ જીઆઈડીસીમાં લેથ મશીનનું કારખાનું ચલાવતો હતો અને આ કારખાનામાં નુકસાની જતાં થોડા સમયથી ગુમસુમ અને ઉદાસ રહેતો હતો. કારખાનામાં નુકસાની જવાથી જિંદગીથી કંટાળી જઈ ગુરૂવારે સવારના સમયે સાંઢીયા પુલ નજીક રેલવે પીલર નં.833 ના 8 અને 9 વચ્ચેના રેલવે ટે્રક પરથી પસાર થતી ટે્રન હેઠળ યુવાને ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ વેપારી યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા એએસઆઇ ડી.સી.ગોહિલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઈ ભાવેશભાઈ ગોરેચાના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.