ક્રિકેટ વર્લ્ડકપનો રોમાંચ પૂર્ણ થયા બાદ હવે ફૂટબોલનો ફિવર સર્જાવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. કતર પોતાના પહેલાં ફૂટબોલ વર્લ્ડકપની યજમાની માટે સજ્જ બની ગયું છે. દુનિયાભરના ચાહકો પણ આ રમતના મહાકુંભમાં ઉપસ્થિત રહેવા માટે કમર કસી ચૂક્યા છે. આ સાથે જ પહેલીવાર કોઈ અરબ દેશમાં વર્લ્ડકપનું આયોજન થવા જઈ રહ્યું છે. આ વર્લ્ડકપમાં ચેમ્પિયન બનનારી ટીમને અધધ 342 કરોડ રૂપિયાનું ઈનામ મળશે.
રવિવારથી ઈક્વાડોર-કતરના મુકાબલાથી વર્લ્ડ ચેમ્પિયન બનવાના જંગનું બ્યુગલ વાગી જશે. દુનિયાને 18 ડિસેમ્બરે ખબર પડી જશે કે ફૂટબોલનો બેતાજ બાદશાહ કોણ છે. અંદાજે 12 વર્ષ પહેલાં કતરને વર્લ્ડકપની યજમાની સોંપવામાં આવી હતી અને તેણે સ્ટેડિયમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉભું કરવા માટે અબજો ડોલર ખર્ચી નાખ્યા હતા.
માંડ 30 લાખની વસતી ધરાવતાં કતરે ફૂટબોલ વર્લ્ડકપ માટે દિલ ખોલીને ખર્ચકર્યો છે. નવા સ્ટેડિયમનો ખર્ચ 6.5 અબજ ડોલરથી વધુ છે. ડ્રાઈવર રહિત મેટ્રો રેલ પ્રણાલી જેની કિંમત 36 અબજ ડોલર છે જે આઠ સ્ટેડિયમોમાં પાંચ સ્થળો ઉપર પોતાની સેવા આપશે. આખોયે વર્લ્ડકપ કતરના આઠ સ્ટેડિયમ ઉપર રમાશે જેમાં 64 મુકાબલા સામેલ છે. આ સ્ટેડિયમમાં લુસૈલ, અલ બેયત, એજ્યુકેશન સિટી, ખલીફા ઈન્ટરનેશનલ, સ્ટેડિયમ-974, અહમદ બિન અલી, અલ થુમામા સ્ટેડિયમ અને અલ જાનુબ સ્ટેડિયમનો સમાવેશ થાય છે.
આયોજકોએ અનુમાન વ્યક્ત કર્યું છે કે વર્લ્ડકપ જોવા માટે આખી દુનિયામાંથી 12 લાખથી વધુ દર્શકો આવશે. આવાસની કમીને લઈને થઈ રહેલી ટીકાઓ વચ્ચે કતરે ત્રણ ક્રુઝ શિપને હોટલમાં તબદીલ કરી દીધી છે. આ ટૂર્નામેન્ટના પહેલાં બે સપ્તાહ સંપૂર્ણ રીતે બુક થઈ ચૂક્યા છે. આયોજકોએ જણાવ્યું કે 31 લાખમાંથી અંદાજે 29 લાખ ટિકિટ વેચાઈ ચૂકી છે. ચાહકો ફીફા ટિકિટિંગ સેન્ટરની બહાર એ આશામાં ઉભેલા છે કે કદાચ તેમને કોઈ મોટા મુકાબલાની ટિકિટ મળી જાય.દુબઈના અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરીને કતર જનારા દર્શકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દુબઈ મેટ્રો દરરોજ 1400 ફેરા લગાવશે તો 11310 ટેક્સીઓના કાફલામાં વધારાની 700 ટેક્સી ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત 60 જેટલી વિશેષ બસ પણ દોડાવવામાં આવશે. દર કલાકે અંદાજે 1200 યાત્રિકોને સફર કરાવવામાં આવશે. દુબઈ એરપોર્ટ ઉપર 60 ચેકઈન કાઉન્ટર, 21 બોર્ડિંગ ગેઈટ, 10 સ્માર્ટ ગેટ સતત કામ કરશે.