દ્વારકાની બેઠક પરથી લડશે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી તેઓ સોમવારે પોતાનું નામાંકન પત્ર ભરશે. ભાજપના પબુભા માણેક સામે તેમની સીધી ટકકર થશે. જયારે કોંગ્રેસે હજુ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. દ્વારકાની બેઠક પસંદ કરીને ઇસુદાન ગઢવીએ ખંભાળિયામાં કોંંગ્રેસના મજબતૂ વિક્રમ માડમ સામે સીધી ટકકર ટાળી હોવાનું સમજાઇ રહયું છે.
ઇસુદાન ગઢવી મૂળ ખંભાળિયા તાલુકાના વતની છે. જયારે આમ આદમી પાર્ટી દ્વારા તેમને રાજયમાં મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઇસુદાન ગઢવી હાલ આ જિલ્લાના જ પ્રવાસે છે અને તેઓ ખંભાળીયામાં અગ્રણીઓને મળી રહ્યા છે. એક તબક્કે તેઓ ખંભાળીયાથી ચૂંટણી લડશે તેવા સંકેત હતા પરંતુ અહીં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર વિક્રમ માડમ છે અને તેથી તેઓ દ્વારિકામાં ચૂંટણી લડવા જશે અને સોમવારે ઉમેદવારી નોંધાવશે. પબુભા માણેક 1990થી 1998 સુધી અપક્ષ ઉમેદવાર તરીકે, 2002માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને 2012 અને 2017માં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ચૂક્યા છે. ગઇકાલે જ ભાજપે તેમને ફરી ટીકીટ આપી છે. 2017માં તેઓ ચૂંટાયા બાદ ટેકનિકલ કારણોસર તેમનું ધારાસભ્ય પદ રદ થયું હતું અને તેઓ હવે ફરી ભાજપમાંથી ટીકીટ મેળવી રહ્યા છે પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં 5 હજારથી આસપાસના મતે જીત્યા છે અને તેના કારણે આમ આદમી પાર્ટી માટે પબુભા સામેની ટક્કર વધુ સરળ હશે તેમ મનાય છે.