દ્વારકા જિલ્લામાં આવેલી વિધાનસભાની બે બેઠક પૈકી કોંગ્રેસ દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં ખંભાળિયાના ઉમેદવાર તરીકે વિક્રમભાઈ માડમની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ કોંગ્રેસની પ્રથમ બંને યાદીમાં દ્વારકા બેઠકના ઉમેદવારનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
દ્વારકામાં છેલ્લી સાત ટર્મથી ભાજપના પબુભા માણેક જીતતા આવ્યા છે. તેમની સામે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાલભાઈ આંબલિયા, ભીખુભાઈ વારોતરીયા અને મુળુભાઈ કંડોરીયા દ્વારા ટિકિટ માટે દાવેદારી નોંધાવવામાં આવી છે.
ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે પબુભા માણેકના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ કોંગ્રેસ હજુ સુધી ત્રણ પૈકીના દાવેદારોના નામમાં અટવાઈ છે. દ્વારકા બેઠક માટે મહત્વની બાબતો એ છે કે આ વિસ્તારમાં આહિર, સતવારા અને મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ હોવા છતાં છેલ્લે આશરે સાડા ત્રણ દાયકાથી હિન્દુ વાઘેર જ્ઞાતિના પબુભા માણેક ચૂંટાતા આવ્યા છે.
તલાલાના કોંગ્રેસના આગેવાન ભગાભાઈ બારડ તાજેતરમાં રાજીનામું આપી અને ભાજપના ઉમેદવાર બન્યા છે અને તેમના વેવાઈ એવા દ્વારકા બેઠકના દાવેદાર મુળુભાઈ કંડોરીયાને કોંગ્રેસ સંભવિત રીતે ટિકિટ આપવા ન માંગતી હોય, દ્વારકામાં ઉમેદવારની પસંદગી ટલ્લે ચડી છે.