દિલ્હીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદૂષણ તેની ચરમસીમા પર પહોંચી ગયું છે. જેને પગલે લોકોને શ્ર્વાસ લેવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હાલ દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ 500ની આસપાસ પહોંચી ચુક્યો છે. જેથી દિલ્હી હાલ ગેસ ચેમ્બરમાં ફેરવાઇ ગયું છે અને લોકોને ઘરોમાંથી બહાર નિકળવામાં પણ જીવનું જોખમ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેનું એક કારણ હાલમાં ખેતરોમાં સળગાવવામાં આવી રહેલી પરાળી માનવામાં આવી રહ્યું છે. પંજાબના ખેતરોમાં હાલ મોટા પ્રમાણમાં પરાળી સળગાવવામાં આવી રહી છે.
જ્યારે અત્યાર સુધીના કુલ આંકડા પર નજર કરીએ તો 15મી સપ્ટેમ્બરથી અત્યાર સુધી પંજાબમાં પરાળી સળગાવવાના 21480 મામલા સામે આવ્યા છે. જેમાં 201 ખેડૂતોને આર્થિક દંડ પણ કરવામાં આવ્યો છે. જ્યારે પાડોશી રાજ્ય હરિયાણામાં આ આંકડો 2249 છે.
હાલ દિલ્હીમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. હોસ્પિટલમાં બિમારીના કેસો પણ વધવા લાગ્યા છે. લોકોને આંખોમાં બળતરા, છાતીમાં દુખાવો, ફેફસામાં મુશ્કેલી વગેરે તકલીફો પડવા લાગી છે.
દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, નોઇડા, ગુરુગ્રામ અને ફરીદાબાદ સહિત એનસીઆરના શહેરોમાં એર ક્વોલિટી દુષિત થઇ ગઇ છે. અને એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦૦ને પાર પહોંચી ગયો છે જે અત્યંત ખતરનાક માનવામાં આવે છે. લોકોને અનેક પ્રકારની બિમારી થવા લાગી છે અને શ્વાસ લેવામાં જે લોકોને પહેલાથી જ મુશ્કેલી છે તેઓને હાલ આઇસીયુમાં ભરતી કરવામાં આવી રહ્યા છે. અહીંના મેદાંતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા છેલ્લા કેટલાક દિવસથી વધી ગઇ છે.
વૃદ્ધોમાં પ્રદૂષણને કારણે સ્ટ્રોકનો ખતરો ૧૦ ગણો વધી શકે છે. લોકોના મગજ પર પણ તેની અસર પહોંચી શકે છે. હાલ દિલ્હીમાં પ્રદૂષણ પર કાબુ મેળવવા માટે એન્ટી-સ્મોગ ગન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે ફૂવારાની મદદથી પાણીનો પણ છંટકાવ થઇ રહ્યો છે. બાંધકામ પર અગાઉથી જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે ત્યારે સરકાર હવે અન્ય પગલા અંગે પણ વિચારી રહી છે. આગામી દિવસોમાં જો પ્રદૂષણ તેની અત્યંત ભયાનક સપાટી પાર કરી જશે તો ચોથા તબક્કાના પ્રતિબંધ પણ મુકવામાં આવશે.
ચોથા તબક્કાના પ્રતિબંધોમાં દિલ્હીમાં ટ્રક જેવા મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, ૫૦ ટકા જ સ્ટાફ કામ સ્થળે અને વર્ક ફ્રોમ હોમ લાગુ કરાશે. એકી બેકી યોજનાનો અમલ અને શાળા-કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.