જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક આવેલ કન્યા છાત્રાલય પાસે થી પસાર થતી અલ્ટો કારના ચાલકે કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ જતાં ચાલક અને તેના પુત્રનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ તરફના માર્ગ પર રસ્તો ક્રોસ કરતા યુવાનને પૂરઝડપે બેફીકરાઈથી આવતી કારે ઠોકર મારતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના ગોરધનપર ગામના પાટીયા નજીકથી રસ્તો ક્રોસ કરવા જતાં વૃધ્ધને બેફીકરાઈથી આવતી ઈકો કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જામજોધપુર તાલુકાના મોટા વડિયાથી વસંતપુર જવાના માર્ગ પર બાઈકમાં જતા યુવાનને સામેથી આવતી નંબર વગરની બાઈકે ઠોકર મારતા અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું.
દિવાળીના સપરમાં તહેવાર દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં જુદા જુદા ચાર સ્થળોએ વાહન અકસ્માતમાં એક બાળક સહિત પાંચ વ્યકિતના મોત નિપજ્યા હતાં. અકસ્માતના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, અમદાવાદના ઈશનપુરમાં કામેશ્ર્વર ફલેટમાં રહેતાં બીજલભાઈ પ્રવિણભાઈ જેઠવા નામના યુવાન તેની પત્ની માધવીબેન અને પુત્ર ફેનીલ સાથે તેની જીજે-27-ઈએ-9938 નંબરની અલ્ટો કારમાં ધ્રોલથી રાજકોટ તરફ જતા હતાં ત્યારે ગુરૂવારે સવારના સમયે આહિર કન્યા છાત્રાલય નજીકથી પસાર થતા હતાં ત્યારે બીજલભાઈએ કાર પૂરઝડપે ચલાવી કાબુ ગુમાવતા કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં બેસેલી પત્ની માધવીબેન (ઉ.વ.32) ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે ચાલક બીજલભાઈ જેઠવા (ઉ.વ.35) અને પુત્ર ફેનીલ (ઉ.વ.5) નામના બન્ને પિતા-પુત્રને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું તેમજ પુત્રીને સામાન્ય ઈજા થઈ હતી. બનાવની જાણ થતા પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી પિતા-પુત્રના મૃતદેહનો કબ્જો સંભાળી ઈજાગ્રસ્ત માતા અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા અને મૃતદેહોનો પીએમ માટે મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં વિશાલ હોટલ પાછળના વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતો દિલીપ હમીરભાઈ પરમાર (ઉ.વ.34) નામનો યુવાન ગત ગુરૂવારે રાત્રિના સમયે ચેમ્બર કોલોની પાસે પાન ખાઈને તેના ઘર તરફ જતો હતો ત્યારે રસ્તો ક્રોસ કરતા સમયે દિગ્જામ સર્કલ તરફથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-10-ડીએ-7799 નંબરની અમેઝ કારના ચાલકે દિલીપને ઠોકરે ચડાવી પછાડી દઇ ચાલક નાશી ગયો હતો. ત્યારબાદ અકસ્માતમાં ઘવાયેલા દિલીપ પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકના ભાઈ મનોજના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતા મુળ પોરબંદરના બાબુભાઈ જાદવભાઈ સોઢા (ઉ.વ.60) નામના વૃધ્ધ બુધવારે સાંજના સમયે જામનગર તાલુકાના ગોરધનપર ગામના પાટીયા પાસે પેટ્રોલપંપ નજીક રસ્તો ક્રોસ કરતા હતાં ત્યારે પૂરઝડપે આવતી જીજે-10-ડીજે-5396 નંબરની ઈકો કારના ચાલકે વૃદ્ધને હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ વૃધ્ધનું પ્રાણ-પંખેરું ઉડી ગયું હતું. અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી વૃધ્ધના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી મૃતકના પુત્ર દિનેશભાઈના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ચોથો બનાવ, જામજોધપુર ગામમાં શાંતિનગર વિસ્તારમાં રહેતાં મહેશભાઈ ઉર્ફે ભલો રમેશભાઈ પરમાર (ઉ.વ.25) નામનો યુવાન બુધવારે બપોરના સમયે તેના જીજે-10-ડીબી-9210 નંબરના બાઈક પર મોટા વડીયાથી વસંતપુર તરફ જવાના માર્ગ પરથી પસાર થતો હતો ત્યારે સામેથી નંબર પ્લેટ વગરના આવતા બાઈકના ચાલકે રોંગસાઈડમાં આવી યુવાનના બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બાઇકસવાર મહેશભાઇને કપાળે તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઈ એમ.જી. વસાવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પત્નિ દિવ્યાબેનના નિવેદનના આધારે નંબર પ્લેટ વગરના બાઈક સવાર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.