દેશમાં સતત વધી રહેલી મોંઘવારીમાંથી રાહત માટે હજુ સમય લાગશે. રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર માઈકલ દેવવ્રત યાત્રાએ એક મુલાકાતમાં જણાવ્યું કે મોંઘવારી સામેની લડાઈ લાંબી ચાલશે અને રીઝર્વ બેન્ક વ્યાજદરમાં વધારા સહિતના પગલા લઈ રહ્યું છે તેની અસર પડતા પણ સમય લાગશે.
આપણે જો મોંઘવારીને કાબુમાં લઈએ તો હાલ વિશ્વના દેશો જે ફુગાવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેઓની સરખામણીમાં ભારતનું અર્થતંત્ર વધુ ઝડપથી આગળ વધશે. રિઝર્વ બેન્કની ટીમ દ્વારા ભારતની અર્થવ્યવસ્થા પર તૈયાર કરાયેલા રીપોર્ટમાં આ ટીપ્પણી કરી છે.
જેમાં જણાવાયું છે કે, મોંઘવારી સામેના જંગમાં સફળતાથી વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પણ એક નવો જૂસ્સો સર્જાશે અને દેશના બજારોમાં તથા જીડીપીમાં પણ સ્થિરતા આવશે. સપ્ટેમ્બરમાં મોંઘવારીનો આંક 7.41% એ પહોંચી ગયો છે. રીઝર્વ બેન્કના રીપોર્ટમાં મોનેટરી પોલીસીના સભ્ય જયંત વર્માએ જણાવ્યું છે કે કડક મોનેટરી પોલીસીની અસર પાંચ થી છ કવાટર (ત્રિમાસીક) પછી જોવા મળે છે.
રીઝર્વ બેન્કનું મોંઘવારીનું લક્ષ્ય 4% છે. 2 ટકા પ્લસ-માઈનસનો પણ વિકલ્પ છે. અમોને એ વિશ્ર્વાસ છે કે રિઝર્વ બેન્કના પગલાથી મોંઘવારી કાબુમાં આવશે. હજું અમારી નીતિઓની અસર દેખાવાનું બાકી છે અને જયારે આ અસર શરૂ થશે તો પછી ભાવ સપાટી નીચે આવશે. દેશમાં જીડીપી ગણતરીમાં પણ હવે ગ્રીન જીડીપી ભણી જવાની તૈયારી છે. જેમાં પર્યાવરણને નુકશાન, પ્રાકૃતિક સાધનો, સ્ત્રોતોની અછત અને તેની બચત સહિતના મુદાઓને ચકાસાશે.