દેશમાં ઠેક-ઠેકાણે કોન્ટેક્ટ લેન્સ વેચાણના પાટીયા ઝૂલતા હોય છે પરંતુ હવે કેન્દ્ર સરકારે કોન્ટેક્ટ લેન્સના વેચાણ માટે લાયસન્સ ફરજીયાત બનાવી દીધુ છે અને રજીસ્ટ્રેશન કે લાયસન્સ વિના વેચાણ કરનારા સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. આ સિવાય કેન્સરની સારવાર સાથે સંકળાયેલા ઉપકરણો અને દાંતોમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો તથા ઇમપ્લાન્ટને પણ લાયસન્સ હેઠળ સામેલ કરી દેવામાં આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠને ઔષધી અને પ્રસાધન નિયમો વધુ વ્યાપક બનાવ્યા છે. ભારતમાં કોન્ટેક્ટ લેન્સનો કારોબાર અંદાજીત 473 કરોડનો છે હવે કોન્ટેક્ટ લેન્સના વેચાણ માટે લાયસન્સ લેવાનું વેપારી કે વિક્રેતા માટે ફરજીયાત બનશે. 2019થી 2025 દરમિયાન કોન્ટેક્ટ લેન્સના કારોબારમાં વાર્ષિક 7.50 ટકાની વૃધ્ધિ અંદાજવામાં આવી છે. સ્વાસ્થ્ય એજન્સીના અધ્યક્ષ પવન ચૌધરીના કહેવા પ્રમાણે અત્યાર સુધી ઓપ્ટીકલ સ્ટોર્સ અને કોન્ટેક્ટ લેન્સ ક્લીનીકોમાં કોન્ટેકટ લેન્સના વેચાણ માટે લાયસન્સ જરુરી ન હતું.
લાયસન્સ વિના પણ વિશ્ર્વભરમાં કારોબાર થતો હતો પરંતુ નવા નિયમો હેઠળ કોન્ટેક્ટ લેન્સ વેચતા દેશભરના હજારો વેપારીઓએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવી પડશે અને લાયસન્સ મેળવવા પડશે. જો કે મોટાભાગના વેપારીઓ આ નિયમથી અજાણ છે. અધિકારીઓના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કોન્ટેક્ટ લેન્સના કારોબારમાં અસામાન્ય વધારો થયો છે. ખાસ કરીને યુવાવર્ગ પણ કોન્ટેક્ટ લેન્સ પહેરતો થઇ ગયો છે. આ લેન્સની ગુણવત્તા સામે સવાલ ઉઠવા લાગ્યા હતા. પરિણામે લોકોને નુકસાન થઇ રહ્યું હતું એટલે લાયસન્સ પ્રથા દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે.