વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા. ૧૦ ઓક્ટોબરના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. તેઓ જિલ્લાના રૂ. ૧૪૬૨ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના છે. જેમાં અંદાજે રૂ. ૬૩.૯૮ કરોડની ભગીરથ રકમના ખર્ચે કાલાવડ, ધ્રોલ, જોડીયા અને મોરબી તાલુકામાં જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત કરશે. જેનાથી આ તાલુકાઓના ૧૩૯ ગામોમાં વસતા ૨ લાખ ૧૩ હજાર લોકોને શુદ્ધ પીવાલાયક પાણીનો લાભ મળશે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવ્સ્થા બોર્ડ હસ્તકની જિલ્લાના કાલાવડ અને જામનગર તાલુકામાં આવેલ ‘કાલાવડ ગ્રુપ પાણી પુરવઠા યોજના’ની અંદાજિત રકમ રૂ. ૩૯.૨૪ કરોડ છે. જેમાં મુળ યોજના હેઠળ કાલાવડ તાલુકાના ૯૮ ગામો તથા જામનગર તાલુકાના ૧૧ ગામો એમ કુલ ૧૦૯ ગામોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજનાનો સ્ત્રોત નર્મદા સરોવર બલ્ક પાઇપ લાઇન (એન.સી-૨૦) તથા સ્થાનિક ડેમ છે. વધુમાં આ યોજના અંતર્ગત પાઇપલાઇન નેટવર્ક, ભુગર્ભ ટાંકો, ઉંચી ટાંકી, પંપરૂમ, પંપીગ મશીનરી તથા હેડવર્ક્સ ડેવલપમેન્ટની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાલાવડ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું કામ પુર્ણ કર્યા બાદ ૧,૭૪,૦૦૦ જેટલી વસ્તીને લાભ મળશે.
મોરબી તાલુકામાં આવેલ મોરબી-માળિયા-જોડિયા જુથ પાણી પુરવઠા યોજના’ની અંદાજીત રકમ રૂ. ૨૪.૭૪ કરોડ છે. જેમાં મુળ યોજના મુજબ ૩૦ ગામો આવરી લેવામાં આવ્યા છે. આ યોજનાનો સ્ત્રોત નર્મદા સરોવર બલ્ક પાઇપ લાઇન (એન.સી-૭) છે. આ યોજના અંતર્ગત પાઇપલાઇન નેટવર્ક, ભુગર્ભ ટાંકો, ઉંચી ટાંકી, પંપરૂમ, પંપીગ મશીનરી તથા હેડવર્ક્સ ડેવલપમેન્ટની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજના થકી કુલ ૩૯૦૦૦ જેટલી વસ્તીને શુદ્ધ પીવાલાયક પાણીનો લાભ મળશે.


