ઓખા મંડળના તીર્થધામ બેટ દ્વારકા ખાતે ગત શનિવારથી શરૂ થયેલી ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશ આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશી છે. બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજ આગળના માર્ગ પર ગઇકાલે બુધવારે સવારે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને અને અધિકૃત દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું.
બેટ દ્વારકામાં ખડકી દેવામાં આવેલા નાના-મોટા હજારો ફૂટ બાંધકામ અંગેના સર્વે તથા નોટિસો આપવા અંગેની વિધિવત કાર્યવાહી બાદ હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડીમોલિશનના બુધવારે પાંચમા દિવસે સિગ્નેચર બ્રિજ નજીકના પાડ વિસ્તારમાં જુદા જુદા 34 જેટલા વંડાઓ સહિતના દબાણો પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. આ ઝુંબેશમાં આશરે 31 હજાર ફૂટ જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ જમીનની બજાર કિંમત આશરે રૂ. 60 લાખ જેટલી ગણવામાં આવી છે.
ગઈકાલના પાંચમાં દિવસ સહિત બેટ દ્વારકામાં આશરે 1.70 લાખ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. જેની અંદાજિત કિંમત રૂ. સાડા છ થી સાત કરોડ રૂપિયા આંકી શકાય. આજે સતત છઠ્ઠા દિવસે પણ યાત્રાળુઓ, મુસાફરો માટે બેટ દ્વારકા જવાની માટેની ફેરીબોટ સર્વિસ બંધ રહી હતી. પોલીસ તંત્ર દ્વારા દરરોજ મોડી રાત્રી સુધી દબાણ અંગેની કામગીરી કરવામાં આવે છે. આજે ગુરૂવારે પણ પોલીસ તંત્ર, રેવન્યુ તંત્ર, પાલીકા તંત્ર દ્વારા આ સંયુક્ત કામગીરી ચાલુ રહી હતી.