જામનગર શહેરમાં જટિલ બનેલી રખડતા ઢોરની સમસ્યા માટે મહાનગરપાલિકા દ્વારા પોલીસ તંત્ર સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કડક કાર્યવાહી અંતર્ગત રખડતા ઢોરને ઘાસચારો નાખતા અટકાવવા માટે જાહેર રોડ પર બેરોકટોક ઘાસનું વેચાણ કરતા આઠ શખ્સો સામે મહાનગરપાલિકા દ્વારા વિધિવત પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરોની સમસ્યા જટિલ બની ગઇ છે અને આ સમસ્યાના કારણે રાજમાર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને શહેરીજનોને ઠોકરે ચડાવતા ભોગ બને છે અને આવી ઘટનાઓમાં લોકોના મોત પણ નિપજે છે. આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવા માટે ત્રણ અધિકારીઓના નેજા હેઠળ ચાર ટીમની રચના કરવામાં આવી છે. જેમાં આઠ પોલીસ કર્મચારીઓ આ ટીમ સાથે રહી કાર્યવાહી કરે છે. દરમિયાન શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં બેરોકટોક ઘાસનું વેચાણ કરતાં વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં મિગ કોલોની વિસ્તારમાં ઘાસનું વેચાણ કરતા હેમલતાબેન રમણિકલાલ પરમાર, કિરણબેન રવિ પરમાર, શામ દિલીપ અને તળાવની પાળ પાસે ઘાસ વેંચતા ચંપાબેન યુવરાજ કછેટીયા તથા ઉર્મિલાબેન શૈલેષ નકુમ અને આર્ય સમાજ રોડ પર ઘાસ વેચતા કેશરબેન જેઠા પરમાર અને દયાબેન વેજા પટેલ તેમજ 43 દિ.પ્લોટના ખૂણે ઘાસનું વેચાણ કરતા સામજી લાલજી કણજારિયા સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ શાખાના સુનિલભાઈ ભાનુશાળી દ્વારા સિટી એ ડીવીઝનમાં જાહેરનામા ભંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.