દ્વારકાના સનાતન બસ સ્ટેશન વિસ્તારમાંથી ગઈકાલે ગુરુવારે ભર બપોરે એક આસામી દ્વારા બેંકમાં જમા કરાવવા માટે લઈ જવાતી રૂપિયા સાડા ચાર લાખની રોકડ રકમ ભરેલી થેલીને કોઈ શખ્સ નજર ચૂકવીને ચોરી કરી ગયાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત ખંભાળિયા વિસ્તારમાં એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા ચાલી રહેલા પેટ્રોલિંગમાં હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુ તથા બલભદ્રસિંહ ગોહિલની સંકલન બાતમીના આધારે ઘટના સ્થળના સીસીટીવી કેમેરા ચેક કરી, વર્ણનના આધારે અહીંના હાઇ-વે ચાર રસ્તા વિસ્તાર નજીક પુલ પાસેથી પસાર થતાં મૂળ ચોટીલાના અને હાલ દ્વારકાના રાવળા તળાવ વિસ્તારમાં રહેતા અજીત ધનજીભાઈ ચૌહાણ નામના 32 વર્ષના દેવીપુજક શખ્સને પોલીસે લટકાવી, આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સે દ્વારકામાંથી ગુરુવારે ઉપરોક્ત રૂપિયા સાડા ચાર લાખની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જેથી એલસીબી પોલીસે મુદ્દામાલની રોકડ રકમ સાથે ઉપરોક્ત શખ્સનો કબજો દ્વારકા પોલીસને સોંપ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે ગોહિલની રાહબારી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, કિશોરભાઈ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, દેવશીભાઈ ગોજીયા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, સુનિલભાઈ કાંબરીયા, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, બોઘાભાઈ કેસરિયા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, વિશ્વદિપસિંહ, સચિનભાઈ, અરજણભાઈ, કેતનભાઇ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.