ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવાતી વિવિધ સહાયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરખમ વધારો કરવાનો નિર્ણય લીધો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, શહીદના કુટુંબીજનોને રાહત, ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે ઉચ્ચ કક્ષાની સચિવોની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજ્ય સરકારને આપશે. હાલ માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીમાં જે અનામત અપાય છે, તે મુજબ વર્ગ-1 અને 2 માટે 1 ટકા, વર્ગ-3 માટે 10 ટકા અને વર્ગ-4 માટે 20 ટકા અપાય છે. માજી સૈનિકોને કુટુંબનો નિર્વાહ ચલાવી શકે તે માટે 16 એકર જમીન સાંથણીથી અપાય છે.
રાજય સરકારના નિર્ણય મુજબ શહિદના પત્નીને અત્યાર સુધી રૂા. 1 લાખની સહાય મળતી હતી. જે હવેથી રૂા. 1 કરોડ મળશે. આ ઉપરાંત મેડલ ધારક જવાનોને અપાતા પુરસ્કારમાં પણ રૂા. 1 લાખથી વધારીને 1 કરોડ કરી દેવામાં આવ્યા છે. જયારે શહિદના પરિવારના બાળકોને હાલમાં મળતાં માસિક રૂા. પ00ને બદલે રૂા. પ000 પ્રતિબાળક આપવામાં આવશે. જયારે શહિદના માતા – પિતાને પણ માસિક રૂા. પ00ના બદલે રૂા. પ000ની રાશિ આપવામાં આવશે.


