દુનિયાભરમાં ફરી એકવાર કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. હાલ દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા બે કરોડ નજીક પહોંચી ગઇ છે જ્યારે રોજ સરેરાશ નવા છ લાખ કેસો નોંધાઇ રહ્યા છે. કોરોના કેસોની સંખ્યા રસીકરણ કરાવવા છતાં ઝડપથી વધી રહી હોવાથી લોકો ફરી ચિંતિત બન્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર ઓમિક્રોન અને તેના પેટાવેરિઅન્ટ્સનો ચેપ ખૂબ વધી ગયો છે. આઠ જુલાઇથી આઠ ઓગસ્ટ દરમ્યાન દુનિયાભરમાં 1.75 લાખ સેમ્પલનું સિકવન્સિંગ કરવામાં આવ્યું હતું જેમાં 1.74 લાખ એટલે કે 99 ટકા સેમ્પલમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ જણાયો હતો. વર્લ્ડોમીટર વેબસાઇટ અનુસાર દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 59.71 કરોડ કેસો નોંધાયા છે. જ્યારે 64.59 લાખ લોકોના મોત થઇ ચૂક્યા છે. છેલ્લા થોડા દિવસોથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પણ હજી સરેરાશ 6 લાખ નવા કેસો નોંધાઇ રહ્યા છે.