રાષ્ટ્રના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વના પ્રારંભ પ્રસંગે કાલાવડ તાલુકાના એપીએમસી ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાની આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક અને ભવ્યતાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણના રાજયકક્ષાના મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમની સાથે જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ દેશ માટે બલિદાન આપનારા આપણાં વીર સપૂતો અને યોદ્ધાને યાદ કરી ઉપસ્થિતોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતદેશની દુનિયા સમક્ષ અનોખી છબી ઊભરી આવી છે. અમૃતકાળમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. અને આવનારા ૨૫ વર્ષ પણ અમૃતકાળના હશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના માર્ગદર્શન હેઠળ નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. તેમની દીર્ઘદ્રષ્ટિથી તમામ લોકોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. ગરીબો, મહિલાઓ, ખેડૂતો, મધ્યમવર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, યુવાઓ સ્વાવલંબી બની રહ્યા છે. ગુજરાત સરકાર હર હંમેશ છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડે છે. ખેડૂતોની આવક બમણી કરવી અને કૃષિ ક્ષેત્રે ગુજરાતનો વિકાસ સરકારની પ્રાથમિકતા છે. દેશમાં સર્વપ્રથમ એર એમ્બ્યુલન્સ ગુજરાતમાં શરૂ થઈ છે. દર શુક્રવારે આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
સુવિધા શહેરની પણ ગામડા આત્માનો આ ધ્યેય સાથે ગામડાઓ પણ આદર્શ બની રહ્યા છે. ગામડાઓનો વિકાસ કરવા ગામમાં પણ પાકા રસ્તા, શૌચાલયની સુવિધા, ૨૪ કલાક વીજળી આપીને શહેરો જેવાં બનાવ્યાં છે. રાજ્યમાં સ્માર્ટ સિટી વિકસિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સેવા સેતુના ઉપક્રમથી બે કરોડ લોકોને ઘર આંગણે સેવા પૂરી પાડી છે. છેલ્લા ત્રણ દિવસથી દરેક ઘરે તિરંગો લહેરાઈ રહ્યો છે એ શૌર્ય, રાષ્ટ્રપ્રેમ અને ચેતનાની અનુભૂતિ કરાવે છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લા વહીવટી તંત્રના સતત પ્રયાસોથી જિલ્લામાં અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે. રાજ્યના ખૂણે ખૂણે વિકાસ પહોંચે તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે, બહેનો હસ્તકની ગ્રામપંચાયતો છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત આપ્યું છે, અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે. આ અવિરત વિકાસમાં આપણે સૌ સ્તંભ બની ભારતના સાર્વભૌમત્વને કાર્યરત રાખીએ.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કાલાવડ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ તેમજ દેશભક્તિ ગીતો અંગેની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મંત્રીના હસ્તે જામનગરના વિકાસ માટે કલેક્ટર ડૉ.સૌરભ પારઘીને ૨૫ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો તેમજ વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્તકર્તાઓને મંત્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય પ્રવીણ મુસડિયા, કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ, નિવાસી અધિક કલેકટર મીતેશ પંડયા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન,મુકેશભાઈ ડાંગરીયા, મેઘજીભાઈ ચાવડા, યુવાજસિંહ જાડેજા, સંજય ડાંગરિયા, અધિકારીઓ, શાળાના વિધ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન હરીદેવભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.