જામનગર મોટર ટ્રિબ્યુનલે ગુજરનાર રિનાબેન વર્માના વારસોએ કરેલ વળતર અરજીમાં રૂા. 25 લાખનું વળતર મંજૂર કરતો એવોર્ડ કરે છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગુજરનાર રિનાબેન વર્મા જામનગરની પ્રસિધ્ધ સી.એ.ફર્મ બી.આર. ઓઝા એન્ડ એસોસિએટસના સ્ટાફ મેમ્બરની પાર્ટીમાં તા. 26-1-2020ના રોજ જામનગર-લાલપુર બાયપાસ રોડ ઉપર આવેલ આશિર્વાદ કલબ રિસોર્ટમાં પુત્રી રિતીકાને લઇ પ્લેઝરમાં જઇ રહેલ હતાં. ત્યારે લાલપુર રોડ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ કારના ડ્રાઇવરે પ્લેઝર ચાલક રિધ્ધિબેન અને ગુજરનારને હડફેટ લઇ અકસ્માત કરેલ હતો અને બનાવ સ્થળે જ ગુજરનાર રિનાબેનનું અવસાન થયેલ હતું. આ અંગે ગુજ. રિનાબેનના વારસોએ અત્રેની ટ્રિબ્યુનલમાં વળતર મેળવવા પિટીશન દાખલ કરેલ હતી. જેમાં કારની વિમા કંપની દ્વારા મુખ્યત્વે કારના ચાલકની કોઇ જ બેદરકારી હાલના અકસ્માતમાં ન હોવાનો અને કાર ચાલક પાસે લાયસન્સ ન હોવાનો બચાવ લેવાયેલ જે અંગે ટ્રિબ્યુનલ જજ મનિષ આર. ચૌધરીએ આ બચાવ અંશત: માની ગુજરનાર રિનાબેનના વારસોને વિમા કંપનીએ રૂા. 25,27,000નું વળતર વ્યાજ અને પેનલ્ટી સહિત એક માસમાં ચૂકવવા આદેશ કરેલ છે. આ કેસમાં ગુજ. રિનાબેનના વારસો તરફે વકીલ અશ્ર્વિન મકવાણા, નેહા દેસાઇ અને ઋષિતા નંદા રોકાયેલ હતાં.