કાશ્મીરમાં સ્વતંત્રતા દિનની ઉજવણી પૂર્વે સતત વધી રહેલી ત્રાસવાદી ઘટનામાં બુધવારે રાજોરીમાં એક આત્મઘાતી હુમલામાં ત્રણ જવાનોની શહીદી બાદ ગઇકાલે આતંકીઓએ બાંદીપુરા વિસ્તારમાં એક પરપ્રાંતિય મજુરની ગોળી મારીને હત્યા કરી હતી અને ફરી એક વખત રાજ્યમાં ટાર્ગેટ કીલીંગ વધશે તેવો ભય છે. બાંદીપુરામાં છથી આઠ ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી બાદ એક ઓપરેશન સમયે નાસતા આતંકીઓએ બિહારના નિવાસી એક મજદૂર મોહમ્મદ અમરેજ પર ગોળીબાર કર્યો હતો અને તે સ્થળ પર જ માર્યો ગયો હતો. રાત્રે 12.20 કલાકે આ ઘટના બની હતી. જો કે સદનસીબે અહીં રહેલા અન્ય પરપ્રાંતિય મજૂરો ગોળીબારના અવાજથી જાગીને સલામત થઇ ગયા હતા. મંગળવારે આ ક્ષેત્રમાં બે ત્રાસવાદીઓ ખુલ્લેઆમ હથિયારો સાથે બજારમાં ફરતા હતા અને પોલીસ તેઓને ઝડપે તે પૂર્વે જ તેઓ નાસી ગયા હતા. આત્મઘાતી હુમલામાં હાલ 20થી 22 વર્ષના પાંચથી છ પાકિસ્તાનમાં તાલીમ લીધેલા ત્રાસવાદી છુપાયા હોવાનું બહાર આવ્યું છે.