ગુજરાત રાજ્યથી બહારના વકીલોને હાઇકોર્ટમાં વકાલતનામુ ફાઇલ કરવામાં મુશ્કેલી નડતી હોવાનું સામે આવતાં હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે,‘દેશના કોઈપણ રાજ્યના કોઈપણ વકીલને દેશની કોઈપણ કોર્ટમાં વકાલતનામું કરતા રોકી શકાય નહીં. આ મુદ્દે તપાસ કરાશે અને આ પ્રશ્ર્નનો ઉકેલ શોધાશે.’
હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અસીમ પંડ્યાને આ સંદર્ભે પૂછેલુ કે આવું કેમ છે ? આ અંગે જીએચએએના પ્રમુખની રજૂઆત હતી કે, દેશનો કોઈપણ વકીલ કોઈપણ કોર્ટમાં રજૂઆત કરી શકે છે. જો કે વકીલને વકાલતનામું કરવાની મંજૂરી આપી તેનો અમલ કરવો મુશ્કેલ છે. આની પાછળનુ કારણ એ હોય છે કે, રાજ્ય બહારથી હાઈકોર્ટમાં રજૂઆત કરવા માટે આવતા વકીલની ઓફિસ ગુજરાતમાં ન હોવાથી તેમને નોટિસ સર્વ કેમ કરવી તે એક મોટો પ્રશ્ર્ન હોય છે. આ ઉપરાંત કેટલાક બીજા કારણો પણ રહેલા છે.