- Advertisement -
ખંભાળિયા પંથકના અષાઢ માસ દરમિયાન વરસેલા માંગ્યા મેહ બાદ છેલ્લા આશરે એક પખવાડીયા થયા મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. આ વખતે ગઈકાલથી સર્જાયેલા વરસાદી વાતાવરણ તથા ગઈકાલે શુક્રવારે દિવસ દરમિયાન ખંભાળિયા તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં વરસી ગયેલા હળવા વરસાદી ઝાપટાઓ બાદ આજે સવારથી પુનઃ મેઘરાજાના મંડાણ થયા હતા. આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે હળવા તથા ભારે ઝાપટાઓનો દૌર યથાવત રહ્યો હતો અને સવારે દસ વાગ્યા સુધીમાં પોણો ઈંચ (17 મીલીમીટર) પાણી પડી ગયું હતું.
આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 895 મીલીમીટર (36 ઇંચ) વરસી ગયો છે. જે કુલ સરેરાશ 109 ટકા સુધી થવા પામ્યો છે. તાલુકાના અનેક ગામોમાં પણ હળવા ઝાપટા હોવાથી આ વરસાદ પાકને ફાયદાકારક મનાય છે.
આ સાથે દ્વારકા તાલુકામાં આજે સવારે 10 વાગ્યા સુધી મી.મી. વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે કલ્યાણપુર અને ભાણવડ તાલુકામાં માત્ર હળવા ઝાપટા વરસ્યા છે. આજે સવારે દસ વાગ્યા સુધીમાં દ્વારકા તાલુકામાં 23 ઈંચ (570 મી.મી.) સાથે 107 ટકા, કલ્યાણપુર તાલુકામાં 23 ઈંચ (568 મી.મી.) સાથે 66 ટકા અને ભાણવડ તાલુકામાં 15 ઈંચ (374 મી.મી.) સાથે 107 ટકા કુલ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 83 ટકા વરસ્યો છે.
મોસમ વિભાગની આગાહી મુજબ જિલ્લામાં હજુ વધુ વરસાદ વરસે તેવી સંભાવનાઓ છે.
- Advertisement -