જામનગર સહિત હાલાર પંથકમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે. ગઇકાલે જામનગર શહેરમાં 19 પોઝિટિવ કેસ અને તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ એક દિવસમાં 15 નવા કેસ નોંધાતા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલાર પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન 37 કેસ નોંધાતા તહેવારો નજીક આવી રહ્યાં હોય, તકેદારી રાખવી જરુરી બની છે.
જામનગર શહેર વિસ્તારમાં 400 કોરોનાલક્ષી પરિક્ષણ કરવામાં આવ્યા હતાં. તેમાંથી 19 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. જ્યારે સાત વ્યક્તિઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતાં. જામનગર શહેરમાં હાલમાં 60 દર્દીઓ હોમ આઇસોલેશનમાં તથા બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો હોય, છેલ્લા બે વર્ષથી કોરોનાકાળને કારણે લોકોએ તહેવારોની ઉજવણી કરી ન હતી. ત્યારે આ વર્ષે ફરી તહેવારો નજીક આવતાંની સાથે કોરોનાના કેસો વધતાં તકેદારી આવશ્યક છે.
જામનગર શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. ગઇકાલે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં 698 વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ તેમજ 55 લોકોના એન્ટીજન્ટ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે પૈકી જામનગર તાલુકામાં 3 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. તેમજ છ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં 18 દર્દીઓ હોમ આઇસોલેશનમાં તથા બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દ્વારકા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક જ દિવસમાં દ્વારકા જિલ્લામાં નવા 15 કેસ નોંધાયા છે. જેમાં ખંભાળિયામાં 9 અને દ્વારકા તાલુકામાં 6 દર્દીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેમજ ભાણવડના 6 અને દ્વારકાના બે દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.