જામનગર શહેરમાં રાજગોર ફળી શેરી નં.2 માં રહેતાં પ્રૌઢ માતા-પિતાને નરાધમ પુત્રે લાઈટો બંધ કરવા જેવી બાબતે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે પિતાની ફરિયાદના આધારે પુત્ર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પંજાબ નેશનલ બેંક વાળી શેરીમાં આવેલ રાજગોર ફળીમાં રહેતાં ભરતભાઈ મોહનભાઈ કલ્યાણી (ઉ.વ.58) નામના નિવૃત્ત પ્રૌઢ પિતાએ તેના પુત્ર જીગરને જરૂરિયાત સિવાયની લાઈટો બંધ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા નરાધમ પુત્ર એ પિતા ભરતભાઈ અને માતાને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યો હતો અને તમને બન્નેને છરીના ઘા ઝીંકી પતાવી દેવાની ધમકી આપી હતી. નરાધમ પુત્રએ માતા-પિતાને માર મારી ધમકી આપ્યાના બનાવમાં પિતા ભરતભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી.ગાંભવા તથા સ્ટાફે જીગર કલ્યાણી વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.