- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્યના કૃષી, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની મુલાકાતમાં પશુઓમાં જોવા મળતા લમ્પી સ્કિન ડીસીઝની જિલ્લાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
મંત્રી પટેલે ખંભાળિયા ખાતેની રામનાથ ગૌશાળાની મુલાકાત કરી હતી. ગાયોની સારસંભાળ કેવી રીતના રાખવામાં આવે છે તે અંગેની માહિતી મેળવી હતી. તેમજ લમ્પી ગ્રસ્ત ગાયોની સારવાર અંગેની પણ ઝીણવટભરી માહિતી મેળવી હતી. બાદમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લમ્પી સ્કિન ડીસીઝ અંગે સમીક્ષા બેઠક કરી હતી.
સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાએ મંત્રીને જિલ્લામાં પશુઓમાં જોવા મળતા લમ્પી સ્કિન ડીસીઝની પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી.
આ દરમિયાન ખંભાળિયામાં મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી છે. જિલ્લામાં હાલમાં 59 ગામોમાં પશુઓમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. અને જિલ્લામાં 24,205 પશુઓનું વેકસીનેશન કરવામાં આવી ચૂક્યું છે. જિલ્લામાં 14 પશુ ડોકટરોની ટીમ વેકસીનેશનની કામગીરી કરી રહી છે. જિલ્લામાં માખી, મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે મેલેરિયાની ટીમ પણ ફોગીંગ અને દવા છંટકાવની કામગીરી કરે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લામાં તંત્ર દ્વારા વેકસીનેશન કામગીરી તેમજ લમ્પીગ્રસ્ત પશુઓની સારવાર માટે કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી.
આ ઉપરાંત જિલ્લાના પશુપાલકો અને નાગરિકોને પણ અપીલ કરી હતી કે, આપને કોઈ પણ સ્થળે લમ્પી ગ્રસ્ત પશુ જોવા મળે તો હેલ્પલાઇન નં. 1962 ઉપર જાણ કરો અથવા તો સ્થાનિક પશુ દવાખાનામાં જાણ કરવા પણ જણાવાયું હતું.
બેઠકમાં પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, અધિક નિવાસી કલેક્ટર કે.એમ. જાની, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -