જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામની ગોલાઈ પાસેથી પસાર થતા બાઈકને પૂરઝડપે બેફીકરાઇથી આવતી અજાણી કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક પતિ અને પુત્રને માથાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક કાર લઇ નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતાં ઈશ્ર્વરભાઈ પરસોતમ ભાઈ કટેશિયા (ઉ.વ.38) નામના શિક્ષક જુલાઈ માસના 9 તારીખે બપોરના સમયે તેની પત્ની અને પુત્ર સાથે જીજે-10-ડીએચ-5709 નંબરના બાઈક પર બેડથી જામનગર આવવા નિકળ્યા હતાં તે દરમિયાન વસઈ ગામની ગોલાઈ નજીક પહોંચ્યા ત્યારે ખંભાળિયા તરફથી પૂરઝડપે બેફીકરાઇથી આવતી અજાણી કારના ચાલકે શિક્ષકની બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં શિક્ષકના પત્નીને માથામાં ગંભીર ઈજા અને શિક્ષકને હાથમાં સામાન્ય ઈજા તથા પુત્રને માથાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક કાર લઇ નાશી ગયો હતો. ત્યારબાદ શિક્ષક અને તેમના પરિવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમના પત્નીનું સારવાર દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ઈશ્ર્વરભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.કે. ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નાશી ગયેલા કાર ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.