Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતલઠ્ઠાકાંડ : સીટ રિપોર્ટમાં પોલીસ-બૂટલેગરોની જુગલબંધીનો ઘટસ્ફોટ

લઠ્ઠાકાંડ : સીટ રિપોર્ટમાં પોલીસ-બૂટલેગરોની જુગલબંધીનો ઘટસ્ફોટ

આજે સરકારને સોંપવામાં આવશે સીટનો રિપોર્ટ : પોલીસ અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠ તોડવા અને પડોશી રાજયોમાંથી ઘુસતા દારૂને રોકવા ભલામણ : પોલીસ અધિકારીઓના કોલ રેકોર્ડમાં બુટલેગરો સાથેનો સંપર્ક સ્થાપિત થયો : કસુરવાર સાબિત થયે પોલીસમાંથી હકાલપટ્ટી કરવાની પણ ભલામણ

- Advertisement -

બોટાદના બરવાળા અને અમદાવાદના ધંધુકામાં 50થી વધુ લોકોનો ભોગ લેનારા લઠ્ઠાકાંડની તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે અને આજે ગમે ત્યારે રાજ્ય સરકારને સોંપી દેવામાં આવનાર છે.રીપોર્ટમાં પોલીસ અને બૂટલેગરની સાંઠગાંઠ હોવાનો ખુલાસો થયાનો નિર્દેશ છે. લઠ્ઠાકાંડ વિશે આઈજીપી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં ત્રણ આઈપીએસ અધિકારીઓની તપાસ ટીમ બનાવવામાં આવી હતી અને ત્રણ દિવસમાં જ રીપોર્ટ સોંપવા કહેવામાં આવ્યું હતું. સૂત્રો અનુસાર ‘સીટ’ના રીપોર્ટમાં પાડોશી રાજ્યોમાંથી ઘુસતા દારુને રોકવા વધુ કડક પગલા લેવા તથા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક પોલીસ તથા બૂટલેગરો વચ્ચે સાંઠગાંઠ તોડવા ભલામણ કરવામાં આવી છે.

- Advertisement -

આ ઉપરાંત મિથેનોલ જેવા ઝેરી રસાયણોના વેચાણ અને કારોબાર નિયંત્રિત કરવા પણ સૂચવવામાં આવ્યું છે. લઠ્ઠાકાંડ ઝેરી રસાયણોને કારણે જ સર્જાયો હોવાનો અત્રે ઉલ્લેખનીય છે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે લઠ્ઠાકાંડ ખુલ્લો પડ્યા બાદ દારુની પોટલીઓ વેચાયા વગરની પડી હતી તેનો લેબ રિપોર્ટ કરાવવામાં આવતા તેમાં 99 ટકા મિથેનોલ હોવાનું બહાર આવ્યું હતું.

‘સીટ’ના રીપોર્ટમાં એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે લઠ્ઠાકાંડમાં સસ્પેન્ડ થયેલા એક પોલીસ અધિકારીના કોલ રેકોર્ડની ચકાસણી કરવામાં આવતા તેમાં બૂટલેગર સાથે સંપર્ક હોવાનું બહાર આવ્યું છે. તેના આધારે બૂટલેગરો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠનો સંકેત મળી જાય છે.

- Advertisement -

સુત્રોના કહેવા પ્રમાણે લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા તમામ સામે અત્યંત આકરા પગલા લેવાની ભલામણ સીટ દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં, બેદરકાર, લાપરવાહ રહેલા પોલીસ સામે પણ ખાતાકીય તપાસ યોજવા અને તેમાં કસૂરવાર સાબિત થવાના સંજોગોમાં તેઓની પોલીસ દળમાંથી હકાલપટ્ટી થવાની પણ ભલામણ કરવામાં આવી છે.

આ ઉપરાંત 148 લોકોના મોત નિપજાવનાર 2009ના લઠ્ઠાકાંડમાં આઈપીએસ અધિકારી જી.સી. રાયગરે સૂચવેલી ભલામણોનો પણ અમલ કરવા રીપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે. સીટના અધિકારીઓ દ્વારા લઠ્ઠાકાંડમાં પકડાયેલા આરોપીઓ ઉપરાંત જેમના કાર્યક્ષેત્રમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે તેવા પોલીસમેનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular