Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુના પક્ષમાં ક્રોસ વોટિંગ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુના પક્ષમાં ક્રોસ વોટિંગ

10 રાજ્યોમાં 100 ટકા મતદાન : 776 સાંસદ, 4033 ધારાસભ્ય સહિત 4809 મતદાર: 21મીએ પરિણામ જાહેર

- Advertisement -

દેશભરના સાંસદો અને ધારાસભ્યોએ ભારતના 15મા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે મતદાન કર્યું હતું. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઇ હતી. જેમાં દ્રૌપદી મુર્મુને વધુ મત મળવાની શક્યતાઓ છે. દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની શકે છે. કુલ 99 ટકા મતદાન થયું હતું જ્યારે 10 રાજ્યોમાં 100 ટકા મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન કેટલાક રાજ્યોમાં ક્રોસ વોટિંગ પણ થયું હતું. સાંસદોએ સંસદમાં જ્યારે ધારાસભ્યોએ વિવિધ રાજ્યોની વિધાનસભામાં મતદાન મથકે જઇને મતદાન કર્યું હતું.

- Advertisement -

જેમાં કુલ 776 સાંસદો અને 4033 ધારાસભ્યો સહિત 4809 પ્રતિનિધિઓ મતદારોની યાદીમાં સામેલ હતા. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે કુલ 99 ટકા મતદાન થયું હતું. કેટલાક સાંસદો અને ધારાસભ્યો માંદગી કે સારવારને કારણે મત નહોતા આપી શક્યા જેમાં ભાજપના સાંસદ સન્ની દેઓલ અને કેન્દ્રીય મંત્રી સંજય ધોત્રેનો સમાવેશ થાય છે. સન્ની દેઓલ વિદેશમાં સ્વાસ્થ્યની સારવાર લઇ રહ્યા છે જ્યારે સંજય ધોત્રે બિમારીને કારણે આઇસીયુમાં છે. જ્યારે શિવસેનાના બે સાંસદો, બીએસપીએના એક, કોંગ્રેસના એક, સપા અને એઆઇએમઆઇએમના એક સાંસદે મત નહોતો આપ્યો. આ દરમિયાન કેટલાક રાજ્યોમાં ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ થયું હતું. જેમાં આ ધારાસભ્યોએ પક્ષથી વિપરીત જઇને એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો હતો. ઝારખંડ અને ગુજરાતમાં એનસીપીના ધારાસભ્ય, હરિયાણા અને ઓડિશામાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. જ્યારે પંજાબમાં અકાળી દળના એક ધારાસભ્યએ ચૂંટણીનો જ બહિષ્કાર કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં શિવપાલ યાદવે કહ્યું હતું કે હું યશવંત સિન્હાને મત નહીં આપું. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ નબળા સ્વાસ્થ્યને કારણે વ્હીલચેર પર મત આપવા માટે આવ્યા હતા. જ્યારે નાણા મંત્રી નિર્મલા સિતારામનને કોરોના હોવાથી તેઓ પીપીઇ કિટ પહેરીને મત આપવા આવ્યા હતા. જ્યારે આર.કે.સિંહ પણ કોરોના થયો હોવાથી પીપીઇ કિટમાં આવ્યા હતા.

ચૂંટણી પંચે સોમવારે કહ્યું હતું કે કુલ 99 ટકા મતદાન થયું છે. જ્યારે 10 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 100 ટકા મતદાન થયું છે. આ રાજ્યોમાં ગોવા, ગુજરાત, હિમાચલ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણીપુર, સિક્કિમ, તામિલનાડુ, પુડ્ડુચેરી, છત્તિસગઢનો સમાવેશ થાય છે. 44 સાંસદોને રાજ્યોના હેડ ક્વાર્ટર પર મતદાનની છૂટ અપાઇ હતી. જ્યારે નવ ધારાસભ્યોને સંસદમાં મતદાન મથકે મતદાનની છૂટ આપવામાં આવી હતી. દેશભરમાં સંસદ અને વિધાનસભાઓ સહિત કુલ 31 સ્થળોએ સવારે 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. ચૂંટણીના પરીણામો 21મી તારીખે જાહેર કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular