જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતી મહિલા તેણીની સાથે મજુરી કામ કરતા યુવાન સાથે વાતચીત કરતી હોવાનો ખાર રાખી તેણીના પતિએ નશો કરેલી હાલતમાં પત્ની ઉપર કોષ વડે માથમાં તથા શરીર ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ શેરી નં.8 માં રહેતી રજનીબેન મોઠા (ઉ.વ.34) નામની મહિલાનો પતિ હસમુખ મોઠા કોઇ કામ ધંધો કરતો ન હોવાથી મહિલા કારખાનામાં મજૂરીકામે જતી હતી અને મજૂરી કામે આવતા આકાશ નામના વ્યકિત સાથે વાતચીતના સંબંધ કેળવાતા આ અંગેની જાણ તેણીના પતિને થઈ જતાં પત્નીને મજૂરીકામે જવાનું બંધ કરી દીધું હતું. જેથી પત્ની તેણીના માવતરે રહેવા જતી રહી હતી. ત્યારબાદ પતિ હસમુખે રિસામણે બેઠેલી પત્નીને મનાવીને ઘરે લઇ આવ્યો હતો. દરમિયાન બે સપ્તાહ પૂર્વે બપોરના સમયે હસમુખે નશો કરેલી હાલતમાં આવીને આકાશ નામના વ્યકિત સાથેના વાતચીતના સંબંધના કારણે ઉશ્કેરાઈને પત્ની રજનીબેન ઉપર ઘરમાં પડેલી કોષ વડે માથામાં તથા પીઠના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આ બનાવની જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે ઘવાયેલી પત્ની રજનીબેનના નિવેદનના આધારે તેણીના પતિ હસમુખ વિરુધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


