જામનગર શહેરના એસ.ટી. ડેપો રોડ પર આવેલા હેમાલી એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતાં વૃદ્ધા ગુરૂવારે બપોરે તેના ઘરે એકલા હતાં ત્યારે ડોર બેલ વગાડી મોઢે માસ્ક અને કાળા કલરનો રેઈન કોર્ટ પહેરેલા અજાણ્યા શખ્સે જીઈબીમાંથી મીટર ચેક કરવાના બહાને ઘરમાં ઘુસી દરવાજો બંધ કરી છરીની અણીએ ધમકાવી અઢી લાખની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવી નાશી ગયાના ગણતરીના કલાકોમાં જ એલસીબીની ટીમે વૃદ્ધાના જ એપાર્ટમેન્ટમાં રહેતાં શખ્સને દબોચી લીધો હતો.
લૂંટના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં એસટી ડેપો રોડ પર ડોકટર કલ્પનાબેનના દવાખાના નજીક આવેલા હેમાલી એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા વિજયાલક્ષ્મીબેન પીલ્લે (ઉ.વ.75) નામના વૃધ્ધા ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે ઘરકામ કરતા હતાં ત્યારે ડોરબેલ વગાડી આશરે 35 વર્ષનો કાળા કલરનો રેઇનકોર્ટ અને મોઢે માસ્ક પહેરેલ શખ્સ આવ્યો હતો અને જીઈબીમાંથી મીટર ચેક કરવા આવું છું તેમ કહી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દરવાજો અંદરથી બંધ કરી વૃદ્ધાને છરીની અણીએ ધમકાવી અવાજ કરીશ તો મારી નાખીશ તેમ કહી હાથમાં પહેરેલ ચાર તોલાની સોનાની 6 બંગડી અને ચાર તોલાનો સોનાનો એક ચેઈન મળી કુલ રૂા.2.50 લાખની કિંમતના આઠ તોલાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી વૃધ્ધાને દરવાજો બહારથી બંધ કરી બેડરૂમમાં પૂરી પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ ઘટનાની જાણ કરાતા પીઆઇ એમ.જે. જલુ અને પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે વૃધ્ધાના નિવેદનના આધારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. આ લૂંટનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીની ટીમે તપાસ આરંભી ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજો અને ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારોના સોર્સ મેળવી ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન ધાના મોરી, દોલતસિંહ જાડેજા, દિલીપ તલાવડિયા, કિશોર પરમારને મળેલી બાતમીના આધારે એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ તથા ટીમે ચાંદીબજારમાં મહાવીર બાંધણી પાસે વોચ ગોઠવી મયુર નરભેનાથ કંથરાઇ (રહે. હેમાલી એપાર્ટમેન્ટ બીજો માળ ફલેટ નં.207, મૂળ જામ રાવલ, જિ. દ્વારકા) નામના શખ્સને આંતરી લીધો હતો અને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2.90 લાખની કિંમતની સોનાની 6 બંગડી અને રૂા.85 હજારનો સોનાનો ચેઈન સહિતનો કુલ રૂા.3.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સિટી એ ડીવીઝનને સોંપી આપ્યો હતો. લૂંટ ચલાવનાર મયુર ભોગ બનનાર વૃધ્ધાના એપાર્ટમેન્ટમાં અને તેના માળ ઉપર જ રહેતો હતો જેથી વૃદ્ધા એકલા હોવાની જાણ હોય જેથી લૂંટનો પ્લાન રચ્યો હતો.