શનિવારથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાશે. ઇન્ટરનેશનલ ક્ધવેન્શન સેન્ટર ખાતે યોજાનાર આ સંમેલન માટે નેતાઓનું આગમન શરૂ થઇ ગયું છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ શુક્રવારે પહોંચે તેવી શક્યતા છે. આખું શહેર કેસરી રંગમાં રંગાયેલું જોવા મળે છે. બીજેપી અધ્યક્ષના સ્વાગત માટે એક મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો શમસાબાદના એરપોર્ટથી લગભગ એક કિલોમીટર સુધીનો રહેશે. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ હાજરી આપશે. તે 2 જુલાઈએ હૈદરાબાદ પહોંચશે અને 4 જુલાઈની સવારે પરત ફરશે. વડાપ્રધાન ઉપરાંત તમામ ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ હાજર રહેશે. પીએમ 3 જુલાઈએ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેલીને પણ સંબોધિત કરશે. સંમેલન માટે ભાજપે હૈદરાબાદ શહેરમાં જગ્યાએ જગ્યાએ હોડિંગ બેનરો લગાવ્યા છે.
પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને ભાજપ અધ્યક્ષ નડા જેવા મોટા નેતાઓના કટઆઉટ લગાવવામાં આવ્યા છે. આખું શહેર એક રીતે ભગવા રંગે રંગાયું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીનું આ સત્ર એવા સમયે યોજાઈ રહ્યું છે જયારે તેલંગાણામાં 2023મા વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વખતે ભાજપનું ફોકસ દક્ષિણ તરફ છે.