જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલા ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં યુવાનનું વીજશોકથી મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતાં યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતો નિમેશ ગગજીભાઈ ધોલેતર (ઉ.વ.40) નામનો ખેડુત યુવાન બુધવારે રાત્રિના તેના ખેતરમાં ખેતીની જમીનને પાણી પાવા માટે ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં સમયે વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનને બેશુદ્ધ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે રાજેશ ડોડિયા દ્વારા જાણ કરાતા એએસઆઇ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતો અને ખેતીકામ કરતો કરશનભાઈ સામજીભાઈ સાપરિયા (ઉ.વ.35) નામનો પટેલ યુવાન બુધવારે સાંજના સમયે ગામની સીમમાં આવેલા તેના ભાઈના ખેતરમાં ખેતી કામ કરતો હતો ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જયદીપ મોહન સાપરિયા દ્વારા જાણ કરાતા હેકો એન.પી. વસરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.