- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સપ્તાહ પૂર્વે થયેલા નોંધપાત્ર વરસાદ બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. ખંભાળિયા તાલુકામાં ગરમી ભર્યા માહોલ વચ્ચે આજે સવારે ઘટાટોપ વરસાદી વાતાવરણ છવાયું હતું અને સવારે નવેક વાગ્યે વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતા માર્ગોપર પાણી ચાલી નીકળ્યા હતા. જોકે માત્ર દસેક મિનિટ વરસ્યા બાદ વરસાદ બંધ થઇ ગયો હતો અને પુનઃ વરાપ નીકળ્યો હતો. ખંભાળિયા શહેરમાં સામાન્ય વરસાદના પગલે અનેક રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય છવાઈ જતા ખાસ કરીને વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાઈ રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધી સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 90 મી.મી., ભાણવડ તાલુકામાં 32 મી.મી., દ્વારકા તાલુકામાં 6 અને કલ્યાણપુર તાલુકામાં 4 મી.મી. સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ચાર ટકા નોંધાયો છે.
જિલ્લામાં ચોમાસાની ઋતુનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખાસ કરીને ધરતીપુત્રો તથા જિલ્લાની જનતા મુશળધાર વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
- Advertisement -