જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્ક વિસ્તારમાં રહેતાં પ્રૌઢાએ તેમના કુટુંબી કાકાજી સસરા પાસેથી ખરીદેલી જમીનના પૈસા આપી દીધા હોવા છતાં નામે કરતા ન હોવાથી મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં મેટાડોરમાંથી ટાયલ્સ ઉતારતા સમયે ટાયલ્સનો જથ્થો ઘસી આવતા પેટમાં તથા છાતીમાં ગંભીર ઈજા પહોંચતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું. જામનગરમાં ગોકુલનગરમાં રહેતાં મહિલાનું બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના રણજીસસાગર રોડ પર આવેલા પટેલ પાર્ક શેરી નં.8 માં રહેતાં ભાવનાબેન અરવિંદભાઈ આસોદરિયા (ઉ.વ.54) નામના પ્રૌઢાએ તેમના કૌટુંબિક કાકાજી સસરા હરસુખ પરસોતમ સતાસિયા પાસેથી જમીન ખરીદી હતી અને આ જમીનની ખરીદી પેટે પૈસા ચુકવી દીધા હોવા છતાં જમીન પ્રૌઢાના નામે કરતા ન હોવાથી સતત ચિંતામાં રહેતાં પ્રૌઢાને મનમાં લાગી આવતા રવિવારે રાત્રિના સમયે તેના ઘરે પંખાના હૂંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પતિ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં રહેતાં ગોરધનભાઈ સંઘાણીના ઘરે મેટાડોરમાંથી ટાયલ્સ ઉતારતા હતા ત્યારે શનિવારે રાત્રિના સમયે એકાએક ટાયલ્સનો જથ્થો ગાડીમાંથી ઘસી આવતા મહેન્દ્રસિંહ નવુભા જાડેજા (ઉ.વ.60) નામના વૃધ્ધ ઉપર પડતા વૃદ્ધને પેટમાં તથા છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી વૃદ્ધને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ વૃધ્ધનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની અર્જુનસિંહ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી.સોઢીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરમાં ગોકુલનગર પાસે આવેલા સિધ્ધાર્થનગરમાં રહેતાં હંસાબેન વિનોદભાઈ બથવાર (ઉ.વ.42) નામના મહિલાને છેલ્લાં બે વર્ષથી બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી હતી. દરમિયાન શનિવારની રાત્રિના સમયે મહિલા તેના ઘરે બેશુધ્ધ થઈ જતાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પતિ વિનોદભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.