ચેક પરત ફરવાના કિસ્સામાં જામનગરની અદાલતે વધુ એક વખત કડક વલણ અખત્યાર કરી ચેક લખનારને 4 માસની સજા તેમજ દંડ ફટકાર્યો છે.
આ કેસની ટુંકી હકિકત એવી છે કે, જામનગરમાં મીના એજન્સી અંબર સિનેમાની બાજુમાં પંચમુખી હનુમાન મંદિર પાસે પી.એન. માર્ગ જામનગર ખાતે વેપાર કરતા યોગેશભાઇ જયસુખભાઇ શાહ પાસેથી શહેર જામનગરમાં 49 દિ.પ્લોટ શંકરટેકરી શેરી નં. 6, રામનગર નં. 1 પાસે વસવાટ કરતાં ગિરીશભાઇ ગોવિંદભાઇ મકવાણાએ, યોગેશભાઇ જયસુખભાઇ શાહ પાસેથી ક્ધસ્ટ્રકશનના કામમાં વપરાતા ટેકા-ચોકા ભાડેથી લઇ ગયેલ હોય અને તેના ભાડા પેટેના હિસાબની રકમની ચૂકવણી પેટે રૂા. 40,000 ચાલીસ હજાર પુરાનો ગિરીશભાઇ ગોવિંદભાઇ મકવાણાએ ફરિયાદી યોગેશભાઇ જયસુખભાઇ શાહને બેંક ઓફ બરોડા, એસ.એસ.આઇ. શાખ જામનગરમાં આવેલ ખાતાનો ફરિયાદી યોગેશભાઇ જયસુખભાઇ શાહના નામ જોગનો રૂા. 40,000નો ચેક લખી આપેલ હતો જે ચેક તેની પાકતી મુદતે ભરતા ફંડ ઇન્સફીસીયટના કારણે પરત ફરેલો જેથી ફરિયાદી ચેક પરત ફરવા અંગેની વકીલ મારફતે નોટિસ મોકલાવેલ જે નોટિસ મળી જતા આરોપીએ રકમ ચૂકવેલ નહીં તથા નોટિસનો જવાબ આપેલ નહીં, જેથી ફરિયાદી દ્વારા જામનગરની અદાલતમાં ગિરીશભાઇ ગોવિંદભાઇ મકવાણા વિરૂધ્ધ ચેક રિર્ટનની ફરિયાદ નોંધાવેલ જે ફરિયાદ ચાલી જતાં ફરિયાદ પક્ષ દ્વારા ફરિયાદીની જુબાની લેવામાં આવેલ તથા તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલ હતા.
ઉપરોકત કેસ ચાલી જતાં ફરિયાદી દ્વારા રજુ કરવામા આવેલ પુરાવાઓ, જુબાની વિગેરે ધ્યાને લઇ જામનગરના સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટનાં 11માં એડિશનલ ચીફ જયુડિશીયલ મેજી. આર.બી ગોસાઇ દ્વારા સદરહુ કેસમાં આરોપી ગિરીશભાઇ ગોવિંદભાઇ મકવાણાને તકસીરવાન ઠરાવી તેઓને 4 (ચાર) માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. 40,000 પુરાનો દંડ ભરવા હુકમ કરેલ અને સદતર દંડની રકમ રૂા. 40,000 ફરિયાદીને વળતર સ્વરૂપે ચૂકવી આપવા તથા આરોપી વળતર ન ચૂકવે તો વધુ 15 દિવસ સાદી કેદની સજા ભોગવવા અંગે હુકમ કરેલ છે.
આરોપી ગિરીશભાઇ ગોવિંદભાઇ મકવાણા હુમની તારીખે હાજર ન હોય આરોપી વિરૂધ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા બજવણી માટે ડીએસપી જામનગરનાઓ મારફતે બજવણી માટે મોકલવા પણ આદેશ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે વકીલ અશ્ર્વિન કે. બારડ રોકાયેલ હતા.