જોડિયા તાલુકાના બાદનપર ગામની સીમમાં આવેલી ઉંડ નદીના કિનારે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનીજચોરી કરાતી હોવાની બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેઈડ દરમિયાન રૂા.2 કરોડ 34 લાખનો મુદ્દામાલ કબ્જે કરી જામનગર પોલીસને સોંપી આપ્યો હતો. આ દરોડાના પગલે પોલીસ અધિક્ષકે કડક કાર્યવાહી અંતર્ગત તાત્કાલિક જોડિયા પીએસઆઈની બદલી સીટી સી ડીવીઝનમાં અને તેમના સ્થાને સિટી સી ડીવીઝનના પીએસઆઈને મુકવામાં આવ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામની સીમમાં આવેલી ઉંડ-2 નદીના કિનારેથી સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરી રેતી ચોરી કરાતી હોવાની બાતમીના આધારે ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રેઈડ દરમિયાન સ્થળ પરથી રૂા.14 લાખની કિંમતના બે લોડર, રૂા.2 કરોડ 10 લાખના સાત ડમ્પર અને 16,286 ની કિંમતની 47 ટન રેતી તેમજ 10 ટન રેતી ભરેલા 10 લાખની કિંમતના બે ટે્રકટર અને 25 હજારની કિંમતનું બાઈક તેમજ રૂા.4575 ની કિંમતની 20 લીટરની એન્જીન ઓઇલની ત્રણ ડોલ મળી કુલ રૂા. 2,34,49,505 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે જોડિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યા હતાં. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાના પગલે જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી જોડિયા પીએસઆઈ ડી.પી. ચુડાસમાની સિટી સી ડીવીઝનમાં બદલી કરવામાં આવી હતી અને તેમના સ્થાને સિટી સી ડીવીઝનના કે.આર. સિસોદિયાની જોડિયા ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવી હતી.