કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે હાલ રહેતી અને ભીખુગર જેતગર રામદતીની 25 વર્ષીય પરિણીત પુત્રી હીનાબેન જીતેન્દ્રપુરી ગોસાઈને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ જીતેન્દ્રપરી કિશોરપરી ગોસાઈ, સસરા કિશોરપરી રતનપરી ગોસાઈ તથા અનિલપરી કીશોરપરી અને ભાવિનપરી કિશોરપરી ગોસાઈ નામના ચાર સાસરિયાઓ દ્વારા અવારનવાર હેરાન પરેશાન કરવા ઉપરાંત ફરિયાદી હીનાબેનને તથા તેણીના માતા-પિતાને બદનામ કરી દેવાની ધમકી આપી, મેણાં-ટોણા મારી, “તું કરિયાવરમાં કંઈ લાવી નથી” તેમ કહી, દુ:ખ-ત્રાસ આપવા બદલ કલ્યાણપુર પોલીસ મથકમાં ચારેય સાસરીયાઓ સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતી યાસ્મીનબેન અઝરુદ્દીનભાઈ વલીમામદ જાડેજા નામની 24 વર્ષની પરિણીતાને તેના પતિ અઝરુદ્દીન વલીમામદ જાડેજા તથા અમીનાબેન વલીમામદ જાડેજા દ્વારા મેણાં ટોણા મારી, બિભત્સ ગાળો કાઢી, શારીરિક તથા માનસિક ત્રાસ આપવા સબબ ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામના વાડી વિસ્તારમાં રહેતી અને હરદાસભાઈ લગધીરભાઈ ચાવડાની છત્રીસ વર્ષની પરિણીત પુત્રી મીણીબેન મયુરભાઈ ચંદ્રાવાડીયાને તેણીના લગ્ન જીવન દરમિયાન ભાણવડના ઉમાપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા પતિ મયુર લખમણભાઈ ચંદ્રાવાડીયા, સસરા લખમણભાઇ પાલાભાઈ ચંદ્રાવાડીયા તથા સાસુ સાજીબેન દ્વારા નાની-નાની વાતમાં ઝગડો કરી, શારીરિક તથા માનસિક ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપ્યાની તથા મીણીબેનને પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મુક્યાની ધોરણસર ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે મીણીબેનની ફરિયાદ પરથી પતિ તથા સાસુ-સસરા સામે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2) અને 114 મુજબ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી અને રમણભાઈ હમીરભાઈ રવશી ચારણની 31 વર્ષની પરિણીત પુત્રી બાયાબેન ખેરાજભાઈ માતકાને તેણીના લગ્નજીવન દરમ્યાન તેણીના પતિ ખેરાજભા હરદાસભાઈ માતકા, દેર સંજય અને સસરા હરદાસ વીઘાભાઇ માતકા દ્વારા બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ત્રણેય સાસરિયાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.