કેન્દ્ર સરકારની ત્રણેય સેનાઓમાં ભરતીની અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશમાં અનેક જગ્યાએ રેલવેની સંપત્તિઓને નુકસાન થયું છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ રેલવેના ઘણા કોચ અને કોઈક જગ્યાએ આખી ટ્રેનને જ સળગાવી દીધી છે, તો ઘણા સ્ટેશનોમાં ટોડફોડ પણ કરી છે. જેના કારણે ભારતીય રેલને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત નુકસાનીના ભયને કારણે રેલવેને ઘણી ટ્રેનો રદ પણ કરવી પડી છે. અગ્નિપથ યોજનાના વિરોધને કારણે રેલવેને 600 જેટલી ટ્રેનો રદ્દ કરવી પડી છે. 595 ટ્રેનો રદ કરવામાં આવી છે જેમ 208 મેલ એક્સપ્રેસ અને 379 પેસન્જર ટ્રેનો સંપૂર્ણ રીતે રદ્દ કરવામાં આવી તો 4 મેલ એક્સપ્રેસ અને 6 પેસન્જર ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. ટ્રેનો રદ્દ થવાને કારણે અને રેલ સંપત્તિને નુકસાન થવાને કારણે ઇન્ડિયન રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં આંદોલનકારીઓએ રેલવેને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. ટ્રેનની બોગી ઉપરાંત રેલ્વે સ્ટેશન વગેરેને પણ તેઓએ ઘણું નુકસાન કર્યું છે. રેલ્વેના એક અધિકારીના જણાવ્યા અનુસાર, વિરોધના 3 દિવસ પછી બિહારમાં જ રેલ્વેને અત્યાર સુધીમાં લગભગ 700 કરોડનું નુકસાન થયું છે. તો દેશના અન્ય ભાગોમાં થઈને રેલવેને કુલ 1000 કરોડ કરતા વધુનું નુકસાન થયું છે. આ વિરોધનું સૌથી ઉગ્ર સ્વરૂપ બિહારમાં જ જોવા મળ્યું છે. બિહારમાં પ્રદર્શનકારીઓ દ્વારા અત્યાર સુધીમાં 60 બોગી અને 11 એન્જીન સળગાવી દેવામાં આવ્યા છે. તેમની અંદાજિત કિંમત લગભગ 700 કરોડ રૂપિયા છે. આટલા પૈસામાં બિહારને લગભગ 10 નવી ટ્રેન મળી શકી હોત. વિરોધ અટકતો ન જોઈને, હવે રેલ્વેએ પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે.