જામનગર શહેરમાં ઠેબા ચોકડી નજીક વર્ધમાનનગર વિસ્તારમાં છ માસ પૂર્વે રીપેરીંગ કામ કરતા સમયે ઈલેકટ્રીક આસીસ્ટન્ટ યુવાનનું બેદરકારીના કારણે અકસ્માતે મોત નિપજ્યાના બનાવમાં આખરે પોલીસે ગુનો નોેંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ઠેબા ચોકડી નજીક વર્ધમાનનગર વિસ્તારમાં 30 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ઈલેકટ્રીક લાઇનમાં રીપેરીંગ કરતા સમયે ઈલેકટ્રીક આસી. મહેશ મકવાણાનું મોત નિપજ્યાના બનાવમાં આ અકસ્માત લાઈન ઈન્સ્પેકટરની બેદરકારીના કારણે થયો હોવાનું ખુલ્યું હતું. જેમાં લાઈન ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા ખુમાનસિંહ રામસિંહ રાઠવા એ તેની ફરજ દરમિયાન બેદરકારી દાખવી 66 કેવી હાપા સબ સ્ટેશનમાં ફોન કરીને 11 કે.વી. કૌશલનગર ફિડરલાઈન બંધ કરાવવાને બદલે 11 કે.વી. લાલવાડી ફિડરલાઈન બંધ કરાવી તેમજ આ લાઈનમાં પાવર બંધ છે કે કેમ ? તે અંગેની કોઇપણ જાતની ચકાસણી કરાવ્યા વગર અને સેફટીના સાધનો પહેરાવ્યા વગર ઈલેકટ્રીક કામ કરાવતા આસીસ્ટન્ટનું મોત બેદરકારીના કારણે નિપજ્યું હતું. જેથી આ અંગે કર્મચારી જયપાલસિંહ જાડેજા દ્વારા લાઈન ઈન્સ્પેકટર ખુમાનસિંહ રાઠવા વિરૂધ્ધ ફરજમાં બેદરકારીની ફરિયાદ સિટી એ ડીવીઝનમાં નોંધાવામાં આવી હતી. જેના આધારે પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે આગળની તપાસ હાથ ધરી હતી.