ભારતીય વાયુસેનાએ અગ્નિવીરોની ભરતી માટે ગાઈડલાઈન બહાર પાડી છેવાયુસેનાએ અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોની ભરતી માટેની માહિતી પોતાની વેબસાઈટ પર જાહેર કરી છે. આ માહિતી પ્રમાણે 4 વર્ષની સેવા દરમિયાન અગ્નિવીરોને વાયુસેના તરફથી અનેક સુવિધા પૂરી પાડવામાં આવશે. તે કાયમી વાયુસૈનિકોને મળતી સુવિધાઓ પ્રમાણેની જ હશે. આ મુજબ અગ્નિવીરોએ તેમની સેવાના ચાર વર્ષ પૂર્ણ કરવાના રહેશે. તે પહેલાં તેઓ નોકરી છોડી શકશે નહીં. આવું કરવા માટે તેઓએ અધિકારીની સંમતિ લેવી પડશે.
વાયુસેનાએ સ્પષ્ટ કર્યું છે કે અગ્નિવીર તમામ સૈન્ય સન્માન અને પુરસ્કારોનો હકદાર રહેશે. તેમને વર્ષમાં 30 દિવસની રજા પણ આપવામાં આવશે. આ સિવાય બીમારીના કિસ્સામાં ડૉક્ટરની સલાહ પર બીમારીની રજા પણ મળશે. વાયુસેનાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી વિગતો પ્રમાણે અગ્નિવીરોને વેતનની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, કેન્ટિન સુવિધા તથા મેડિકલ સુવિધા પણ મળશે. આ તમામ સુવિધાઓ એક રેગ્યુલર સૈનિકને મળે છે.
વાયુસેનામાં અગ્નિવીરોની એક અલગ રેન્ક હશે જે વર્તમાન રેન્કથી અલગ હશે. અગ્નિવીરોએ અગ્નિપથ યોજનાની તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. 4 વર્ષની સેવા બાદ 25 ટકા અગ્નિવીરોને રેગ્યુલર કેડરમાં લેવામાં આવશે. સેવા કાળ દરમિયાન તેમની સર્વિસના પર્ફોર્મન્સના આધાર પર તેમની નિયુક્તિ કરવામાં આવશે.