પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં વડાપ્રધાન દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 1.41 લાખ આવાસોનું લોકાર્પણ તથા મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના, પોષણ સુધા યોજન સહિત રૂ. 21 હજાર કરોડના લાભો લોકાર્પિત કરાયા હતા. વડોદરા ખાતેના આ કાર્યક્રમને સમાંતર જામનગરના આયુર્વેદ યુનિવર્સીટીના ઓડિટોરિયમ હોલ ખાતે પણ સાસંદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં સાંસદ તથા અન્ય મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોના 566 આવાસો લોકાર્પિત કરાયા હતા
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે ત્યારે અનેક વિકાસલક્ષી ભેટ લઈને આવેશે. જેના ભાગ રૂપે 1.41 લાખ આવાસો આજે સમગ્ર રાજ્યમાં લોકાર્પિત થઇ રહયા છે. જેમાં જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 566 આવાસોનું લોકાર્પણ થતા નાગરિકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. યુવાઓ, મહિલાઓ તેમજ છેવાડાના માનવીનું જીવન સ્તર ઉંચુ લાવવા સતત આયોજનબદ્ધ કામો વડાપ્રધાન આપણી વચ્ચે લઈને આવે છે. જામનગરને ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની ભેટ આપી સમગ્ર વિશ્વમાં જામનગરની નોંધ લેવાઈ તેવી વ્યવસ્થા ઉભી કરી છે. યોજનાઓ માત્ર કાગળ પર જ ના રાખી ખરા અર્થમાં યોજનાકીય લાભો નાગરિકોને મળી રહે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. જયારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદાએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ભરતભાઈ બોરસદીયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન વિનુભાઇ વડોદરીયા, જિલ્લા પંચાયત સદસ્ય સુરૂભા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહયા હતા.