જામનગર શહેરમાં રઝડતાં ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહેલાં અને ઢોરના આતંક મુદ્દે બે જવાબદારી ભર્યા નિવેદનો આપતાં લાપરવાહ ડીએમસી એ.કે.વસ્તાણી સામે શિક્ષાત્મક પગલા લેવાં વોર્ડ નં.9 ના કોર્પોરેટર નિલેશ કગથરાએ માગણી કરી છે.
મ્યુ.કમિશનરને લખેલાં પત્રમાં તેમણે જણાવ્યું છે કે, જામ્યુકોના ડીએમસી વસ્તાણીને ગઇકાલે ચાંદી બજાર પાસે વૃધ્ધનો ભોગ લેનાર ઢોરને હડકવા ગ્રસ્ત અને બિમાર દર્શાવ્યું હતું. પરંતું જામ્યુકોના બેડેશ્ર્વર ઢોરના ડબ્બામાં કે જયાં આ ઢોરને રાખવામાં આવ્યું છે, ત્યાં મુલાકાત લેતાં ફરજ પરના ડોકટરે જણાવ્યું હતું કે, આ ઢોરને કોઇ પણ બિમારી હડકવા નથી. તે એકદમ સ્વસ્થ છે. જયારે ડીએમસી આ ઢોરને હડકવા થયો હોવાનું જણાવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઢોરના ડબ્બાની મુલાકાત દરમ્યાન આ ઢોર એકદમ સ્વસ્થ જણાયું હતું. તે નિયમિત રીતે ખોરાક અને પાણી ગ્રહણ કરી રહ્યું છે. આમ જામ્યુકોના જવાબદાર હોદ્ા પર બિરાજી રહેલાં ડીએમસી શહેરના લોકોને અને મિડીયાને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. રઝળતાં ઢોરને નિયંત્રિત કરવાની પોતાની ફરજમાં સંપૂર્ણ પણે નિષ્ફળ રહેલાં લાપરવાહ અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઇએ. તેવી રજુઆત પત્રમાં કરવામાં આવી છે.