જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં મોટા લખીયા ખાતે રહેતાં યુવાન પોતાના રહેણાંક મકાને ઈલેકટ્રીક લાઈન રીપેરીંગ કરતા હોય આ દરમિયાન ઈલેકટ્રીક શોક લાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં રહેતો અને ખેતી કામ કરતો ઉકાભાઇ રામાભાઇ આંબલીયા નામનો 35 વર્ષનો ખેડૂત યુવાન ગઇકાલે પોતાના ઘરમાં ઈલેક્ટ્રીક વાયરીંગ માં રીપેરીંગ કામ કરી રહ્યો હતો, જે દરમિયાન તેને એકાએક વીજ આંચકો લાગી ગયો હતો, અને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે તાત્કાલીક અસરથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી ગોગનભાઈ રાયદેભાઈ આંબલિયાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.