ખંભાળિયા નગરપાલિકાની આગામી સામાન્ય સભા તા. 6 ના રોજ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવશે. ભાજપ શાસિત ખંભાળિયા પાલિકાની થોડા સમય પૂર્વે નવી નિમાયેલી બોડીના એજન્ડા નંબર 8ની જનરલ બોર્ડની બેઠકમાં વ્યવસાય વેરાની ગત વર્ષની 50% ગ્રાન્ટમાંથી રૂપિયા 31.73 લાખના કામોનું આયોજન કરવા, ગ્રાન્ટની બચત રકમનું આયોજન કરવા, કોન્ટ્રાક્ટરોને મુદતમાં વધારો કરી આપવા તેમજ કોન્ટ્રાક્ટરોએ કરેલા કામમાં વધારાના ખર્ચ મંજુર રાખવા, જુદા-જુદા સ્થળોએ કમ્પાઉન્ડ વોલ તથા દિવાલ બનાવવા, લાંબા સમયથી બંધ રહેલા ઈલેક્ટ્રીક સ્મશાનને રીપેરીંગ તથા મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવા, કારોબારી મીટીંગમાં મંજૂર થયેલા ટેન્ડરના ભાવને બહાર રાખવા, જુદા-જુદા આસામીઓની વર્ષો જૂની ભાડાપટ્ટાની દુકાનો તેમજ લગત જગ્યાને વેચાણથી આપવાના, ચાર રસ્તા વિસ્તારમાં આવેલા પાલિકાના બારાઈ શોપિંગ સેન્ટરને ભાડેથી આપવા, પાલિકા માટે એલઇડી ટીવી તેમજ પ્રોજેક્ટરનો સેટ ખરીદ કરવા, શહેરમાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવા માટેની જગ્યા જિલ્લા કલેક્ટર પાસેથી મેળવવા, ખંભાળિયા નગરપાલિકાની એરિયા ડેવલપમેન્ટ જાહેર કરવા ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત મુકવા, ખંભાળિયાના પાદરમાં આશરે સવાસો વર્ષ જૂના કેનેડી બ્રિજને ફરીથી બનાવવા સરકારમાં દરખાસ્ત કરવા, સહિતના વિવિધ મુદ્દાઓ આ એજન્ડામાં લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત નગરપાલિકાના ઉપયોગ માટે ફોરવ્હીલર વાહનની ખરીદી, એકાઉન્ટ વિભાગના વર્ષ 2021-22 ના ઉપજ-ખર્ચના હિસાબોની બહાલી, પાલિકાની અગાઉની ખાસ સામાન્ય સભા તથા કારોબારી સમિતિની બેઠકને બહાલ રાખવાના મુદ્દાઓ પણ આ બેઠકમાં લેવાયા છે.