કેન્દ્ર સરકાર મિલ્કતના ખરીદ વેચાણ સહિતના નિયમોમાં ધરખમ સુધારા કરવા માટે તૈયારી કરી રહી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત જાણકારી અનુસાર આ નવા નિયમો અંતર્ગત લોકોને દસ્તાવેજ નોંધણી માટે સબ રજિસ્ટ્રાર કચેરીએ જવું નહીં પડે.
તેમજ દેશભરમાં ગમે ત્યાંથી જમીન-મકાનની ખરીદ કે વેચાણ કરી શકાશે. હાલ સરકાર સમગ્ર દેશમાં 80 કરોડ લેન્ડ વિસ્તારની માપણી અને ડિઝિટલ નોંધણી કરી રહી છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટના દરેક પ્રકારના સોદાને આ નવા કાનૂન હેઠળ લાવવામાં આવશે. પરિણામે દેશમાં મિલ્કતનો કોઇપણ સોદો છૂપાવી શકાશે નહીં. જો કે, આ સુધારાઓ માટે સરકારને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે.
જો આનો ખરેખર અમલ થાય તો તેનો અર્થ એ થયો કે કોઇ વ્યકિત મોરીશ્યસમાં વેકેશન ગાળતો હોય તે ત્યાં બેઠા બેઠા મેરઠ કે મદુરાઇમાં માત્ર ફોન દ્વારા જમીનનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. જોકે આ યોજનામાં ઘણાં બધા પડકારો છે. આઇટી એકટ 2000 જેવા વર્તમાન કાયદાઓ અને બોગસ સોદાઓ આમા નડતર બની શકે. અત્યારનો આઇટી એકટ કોઇ પણ સ્થાવર મિલ્કત માટે લાગુ નથી પડતો. વૈકલ્પિક ઉપાય એવો થઇ શકે કે વેચનાર અને ખરીદનાર સબ રજીસ્ટ્રારની ઓફિસે જઇને પછીથી વેરીફીકેશન કરાવી શકે. જો કે સરકાર આ પ્રયોઝલ બાબતે હજુ મૌન જ છે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણના ફેબ્રુઆરીના બજેટ ભાષણમાં દસ્તાવેજોનું ક્યાંયથી પણ રજીસ્ટ્રેશન અંગે ઉલ્લેખ કરાયો હતો. નાણાપ્રધાન નવા સરકારી સોફ્ટવેરના સંદર્ભમાં આ અંગે બલ્યા હતા જેને નેશનલ જેનેરીક ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન સીસ્ટમ કહેવાય. આ સીસ્ટમમાં એક જ જગ્યાએ રજીસ્ટ્રેશન અને લેન્ડ રેકોર્ડનો સંગ્રહ થઇ શકશે. પણ આ એનીવ્હેર રજીસ્ટ્રેશન સીસ્ટમ ત્યારે જ બરાબર કામ કરી શકે જ્યારે જ્યારે દેશના બધા 800 મીલીયન પ્લોટનો સાચો સર્વે કરાય અને તેને ડીજીટલી સ્ટોર કરીને દરેક પ્લોટને એક યુનીટ આઇડેન્ટીફીકેશન નંબર આપવામાં આવે. ડીજીટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડસ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ 2016માં કેન્દ્રની યોજના તરીકે લોંચ કરાયો હતો. લેન્ડ રીસોર્સીસ વિભાગમાંથી મળી રહેલા આંકડાઓ અનુસાર 58,10,300 પ્લોટનો સર્વે અને યુએલપીઆઇએન આપવાનું કામ અત્યાર સુધીમાં થઇ ગયું છે. યુએલપીઆઇએન એ દરેક પ્લોટ માટે અપાયેલો 14 આંકડાનો એક ઓળખ નંબર છે, જેવી રીતે આધાર વ્યકિતઓ માટેનો નંબર છે એવી જ રીતે યુએલપીઆઇએન પ્લોટ માટેનો નંબર છે. એનજીડીઆરએસ અત્યારે 12 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો પંજાબ, ગોવા, જમ્મુ-કાશ્મીર, મણીપુર, મીઝોરમ, દમણ અને દીવ, ઝારખંડ, હીમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ત્રિપુરા અને આંદામાન નિકોબારમાં લાગુ છે તો યુપી, રાજસ્થાન અને તમિલનાડુ જેવા મોટા રાજ્યોમાં હજુ તેની શરૂઆત થવાની બાકી છે. મેઘાલયે આ બાબતે અનિચ્છા જાહેર કરી છે તો આસામમાં પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે.