આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું કેરળ પહોંચી ગયું છે. હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસું સામાન્ય સમય કરતાં ત્રણ દિવસ પહેલા કેરળના કિનારે પહોંચી ગયું છે. જણાવી દઈએ કે ચોમાસાના આગમન પહેલા કેરળના અલગ-અલગ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો હતો. ચોમાસા બાદ કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. કેરળમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં પણ ચોમાસું વહેલું પહોંચે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. આગામી 15 જૂન આસપાસ ચોમાસાનું ગુજરાતમાં આગમન થશે.
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસાએ રવિવાર, 29 મેના રોજ કેરળમાં દસ્તક આપી છે, જ્યારે સામાન્ય તારીખ 1 જૂનથી શરૂ થાય છે. દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસાને ભારતના કૃષિ અર્થતંત્રની જીવાદોરી માનવામાં આવે છે. ચોમાસાના નિષ્ણાતોનું કહેવું છે કે અસામાન્ય રીતે ચોમાસું 16 મેના રોજ આંદામાન અને નિકોબાર પહોંચી ગયું હતું. ચક્રવાત અસ્નીના કારણે તે ઝડપથી આગળ વધે તેવી શક્યતા હતી.