રાજ્યના અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના વિસ્તાર ઓખા બંદરેથી ગઈકાલે સ્થાનિક પોલીસે રૂપિયા ત્રણ લાખની કિંમતના ત્રણ હજાર લીટર શક પડતા ડીઝલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઈ. એમ.આઈ. મામદાણી તથા હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ વી. જોગલ અને પી.પી. માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આર.કે. બંદર ખાતે આવેલા લાકડાના વાડા પાસે જયદીપસિંહ ઉર્ફે લાલા ઘનશ્યામસિંહ જાડેજા નામના 36 વર્ષના દરબાર શખ્સ દ્વારા તેના મચ્છીના દંગામાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ડીઝલના જથ્થા અંગે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળેથી પોલીસે 200-200 લિટરના 15 કેરબામાં રાખવામાં આવેલો કુલ ત્રણ હજાર લિટર ડિઝલનો જથ્થો શક પડતો જણાતા તેને સી.આર.પી.સી. કલમ 41 (1)(ડી) મુજબ કબજે લેવામાં આવ્યો છે. આમ, રૂપિયા ત્રણ લાખની કિંમતના શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે ઓખા મરીન પોલીસે જયદીપસિંહ ઉર્ફે લાલો જાડેજાની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી ઓખા મરીન પોલીસ મથકના ઈન્ચાર્જ પી.એસ.આઈ. ડી.એન. વાંઝા, એ.એસ.આઈ. એમ.આઈ. મામદાણી હેડ કોન્સ્ટેબલ ડી.વી. જોગલ, પી.પી. માડમ, એ.કે. મોવર, હરપાલસિંહ જાડેજા, જયેશભાઈ ખીમાભાઈ, રવિરાજસિંહ પઢિયાર, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.