રાજ્યના કેટલાક વિસ્તારોમાં તુવેર પાકની થતી મોડી વાવણી અને કાપણીના કારણે નોંધાયેલ ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો પોતાની તુવેરનો પાક ટેકાના ભાવે વેચી શક્યા નથી. જેને ધ્યાને લઇને તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો 15 દિવસ લંબાવવા ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો આગામી તા. 30 મે સુધી લંબાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત વર્ષ 2021-22 માં ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ.6300 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી અન્વયે કુલ ૧૮,૫૩૫ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી રાજ્ય નોડલ એજન્સી ગુજકોમાસોલ દ્વારા ગત તા.૧૫ ફેબ્રુઆરી-૨૦૨૨થી શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં રાજ્યના 8617 ખેડૂતો પાસેથી રૂ. 104 કરોડની કિંમતની 16480 મેટ્રિકટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો તા.15 મે રોજ પૂર્ણ થયો હતો જે હવે તા. 30મે સુધી લંબાવાયો છે.