વૈશ્ર્વિક તાપમાન તેની સરહદો ઓળંગે અને દુનિયામાં આગ ઓકતી ગરમીનો પ્રકોપ વધે તેવી આશંકા દિવસે દિવસે વધી રહી છે. વર્ષ 2022થી 26ના આગામી પાંચ વર્ષમાં ગરમી બધા જ વિક્રમો તોડીને 1.5 ડિગ્રી સે.થી વધુ થવાની 50 ટકા જેટલી સંભાવના છે તેમ બ્રિટનના હવામાન વિભાગના એક સંશોધન રિપોર્ટમાં જણાવાયું છે. જોકે, આ વધારો અસ્થાયી હશે, પરંતુ તાપમાન જે રીતે વધી રહ્યું છે તે ચિંતાજનક છે. દુનિયામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. વર્લ્ડ મેટેઓરોલોજિકલ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે, અભ્યાસ દર્શાવે છે કે વર્ષ 2022થી 2026 વચ્ચે તાપમાન પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી 1.1 ડિગ્રી સે. અને 1.7 ડિગ્રી સે. વચ્ચે રહેશે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે વર્ષ 2022થી 2026 વચ્ચે એક વર્ષ એવું હશે જ્યારે ગરમી બધા જ વિક્રમ તોડી નાંખશે. જે રીતે ગરમી પેદા કરનારી ગેસ છેલ્લા ત્રણ દાયકાથી ખૂબ જ ઝડપથી વાતાવરણમાં જમા થઈ રહી છે, તેના કારણે વૈશ્ર્વિક તાપમાન સમય પહેલાં જ વધુ એક પગલું આગળ વધી રહ્યું છે. વર્ષ 2015માં વિશ્ર્વનું સરેરાશ તાપમાન પહેલી વખત 1800મી સદીના પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલથી 1 ડિગ્રી સે. વધ્યું હોવાનું જણાયું હતું.
તેને સામાન્ય રીતે 19મી સદીના મધ્યના તાપમાન તરીકે નોંધવામાં આવે છે. તાપમાનના આ સ્તરે ક્લાઈમેટ ચેન્જમાં ચેતવણીના સંકેત આપ્યા હતા. બ્રિટનના હવામાન વિભાગની કચેરીના અધિકારીઓની ટીમે આગામી પાંચ વર્ષના સામાન્ય આકલન અંગે જણાવ્યું હતું કે વર્ષ 2026ના અંત સુધીમાં વિશ્ર્વમાં સૌથી ગરમ વર્ષ નોંધાવાની સંભાવના 93 ટકા છે. ટીમે ઉમેર્યું કે, 2022થી 2026ના પાંચ વર્ષ પૃથ્વી પર સૌથી ગરમ રહેવાની શક્યતા 93 ટકા છે.