આવશ્યક ચીજવસ્તુઓની વધતી કિંમતો અને બેરોજગારીના વિરોધમાં ડાબેરી પક્ષો એ 25 મેથી 31 મે સુધી દેશવ્યાપી આંદોલનનું આહ્વાન કર્યું છે. ડાબેરી પક્ષોએ જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં દેશભરના તેમના એકમોને મોંઘવારી અને બેરોજગારી સામે આ સંયુક્ત અને સંકલિત રાષ્ટ્રવ્યાપી સંઘર્ષનું આયોજન કરવા નિર્દેશ આપ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ’જોચી મોંઘવારીને કારણે લોકો પર અભૂતપૂર્વ બોજ વધી રહ્યો છે. કરોડો લોકો તેનાથી પરેશાન છે અને ગરીબી તરફ આગળ વધી રહ્યા છે. આ સાથે જ બેરોજગારી વધવાને કારણે લોકોની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થઈ રહ્યો છે.
ડાબેરી પક્ષોએ કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં 70 ટકા, શાકભાજીમાં 20 ટકા, રાંધણ તેલમાં 23 ટકા અને અનાજના ભાવમાં 8 ટકાનો વધારો થયો છે. આ નિવેદન પર કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી ડી રાજા, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકના જનરલ સેક્રેટરી દેવવ્રત બિસ્વાસ અને અન્ય ડાબેરી પક્ષોના નેતાઓએ હસ્તાક્ષર કર્યા હતા. આ પક્ષોએ માંગ ઉઠાવી હતી કે, કેન્દ્ર સરકારે તમામ પેટ્રોલિયમ ઉત્પાદનો પરની ડ્યુટી અને સરચાર્જ તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ અને રાંધણ ગેસ સહિત અન્ય વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવો જોઈએ. તો, ઉદયપુરમાં યોજાયેલા કોંગ્રેસના ચિંતન શિબિરમાં ઘણા નેતાઓએ મોંઘવારી મુદ્દે મોદી સરકારને ઘેરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભવિષ્યમાં બેરોજગારી, મોંઘવારી અને ભારતની સંસ્થાઓ પર હુમલા વધશે.
તો, યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી ચિદમ્બરમે કહ્યું કે, મોંઘવારી અસ્વીકાર્ય સ્તરે વધી ગઈ છે, આવનારા દિવસોમાં તે વધુ વધવાનો ભય છે. સરકાર વાસ્તવમાં તેની ખોટી નીતિઓ, ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ પરના ઊંચા કર, ઉચ્ચ વહીવટી કિંમતો અને ઊંચા 051 દરો દ્વારા ફુગાવાના વિકાસને વેગ આપી રહી છે. દેશમાં રોજગારીની સ્થિતિ આટલી ખરાબ ક્યારેય રહી નથી.