અત્યારના યુવાઓને રસ્તા પર કે વાહન લઇને જઇ રહ્યા હોય ત્યારે કાનમાં ઈયરફોન લગાવવાની ટેવ હોય છે. પરંતુ આવી બેદરકારીના પરિણામે તમારો જીવ પણ જઇ શકે છે. આવી જ એક ઘટના બિહારના છપરા માંથી સામે આવી છે. જ્યાં કાનમાં ઈયરફોન લગાવીને એક કિશોરવયનો યુવક રેલ્વે ટ્રેક પર થી સ્ટેશન તરફ જઇ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલી ટ્રેને તેને અડફેટે લેતા મોત નીપજ્યું હતું.
બિહારના છપરામાં રહેતો રાહુલ કુમાર નામનો 15 વર્ષીય કિશોર મામા રવિન્દ્ર સિંહને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્ન પ્રસંગ પુર્ણ થયા બાદ તે રેલ્વે સ્ટેશન જઇ રહ્યો હતો ત્યારે ઈયર ફોન લગાવેલા હતા અને રેલ્વેટ્રેક પરથી જયારે સ્ટેશન તરફ જઇ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલી ટ્રેનની અડફેટે આવતા તેનું મોત નીપજ્યું હતું. છોકરાએ કાનમાં ઈયરફોન લગાવેલા હોવાને કારણે તે ટ્રેનનો અવાજ સાંભળી શક્યો નહતો અને તે ટ્રેનની ઝપેટમાં આવી ગયો હતો. રેલવેકર્મચારીઓએ તેનો મૃતદેહ જોયો તો પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃત્યુ બાદ પણ છોકરાના કાનમાં ઈયરફોન લાગેલા હતા.
કાકા સંતોષ પરિહારના જણાવ્યા મુજબ રાહુલ ધો.9માં અભ્યાસ કરી રહ્યો હતો. અને તેનો એક નાનો ભાઈ છે. તેમજ પિતા ટ્રક ડ્રાઈવિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. લગ્નમાં સામેલ થયા બાદ ઘરે પરત ફરતી વખતે તે ટ્રેનની અડફેટે આવવાથી મોત નીપજતા પરિવારજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.